પેન્ગોંગ તળાવના દક્ષિણ કિનારે 10 હજાર ચાઇનીઝ સૈનિકોનો જમાવડો, અરૂણાચલમાં પણ જોવા મળી હલચલ

પૂર્વ લદાખમાં પેન્ગોંગ તળાવના દક્ષિણ કિનારે 10 હજારથી વધુ ચાઇનીઝ સૈનિકોનો જમાવડો થયો હોવાના અહેવાલ છે. ભારતીય સૈન્ય મકકમતાથી ચીનના સૈનિકોનો સામનો કરી રહ્યું છે અને ભારતની મક્કમતાથી ડરેલા ચીને નવા પેંતરા અજમાવવા માંડ્યા છે. ભારતે પોતાના સૈન્યની મજબૂતાઇ વધારતા દેખાદેખીમાં ચીને પણ લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી)ની પાસે પોતાના સૈનિકોની તૈનાતી વધારી છે. એલએસી પાસે પીએલએના કિુલ 52,000 સૈનિકો તૈનાત છે, જેમાંથી 10 હજાર સૈનિક પેન્ગોંગ તળાવના દક્ષિણ કિનારે તૈનાત કરવામાં આવ્યા છે. પેન્ગોંગ તળાવની સાથે જ અરુણાચલ પ્રદેશમાં પણ ચીનના સૈન્યની હલચલ વધી રહી છે અને તેના કારણે એ ક્ષેત્રમાં પણ ભારતીય સૈન્યએ સતર્કતા વધારી દીધી છે.

એક  ન્યૂઝ વેબસાઇટે સરકારી સૂત્રના હવાલાથી જણાવ્યું હતું કે અરુણાચલ પ્રદેશમાં એલએસીની પાસે બે વિસ્તારમાં ચાઇનીઝ સૈનિકોની ગતિવિધિઓ જોવા મળી છે. પીએલએએ અરુણાચલ પ્રદેશના અસાફિલા અને ફિશટેલ સેક્ટર-2માં હલચલ વધારી છે. આ વિસ્તાર ભારતીય કબજાથી 20 કિમી દૂર છે. થોડા દિવસો પહેલા અરૂણાચલ પ્રદેશના 5 યુવાનો ગૂમ થયા પછી ચીને ભારતના આ પ્રદેશને પોતાનો હિસ્સો ગણાવ્યો હતો. તે પછી ભારતીય સૈન્યએ અન્જો જિલ્લામાં વધારાની કૂમક ખડકી હતી.

એ ઉલ્લેખનીય છે કે પેન્ગોંગ તળાવના દક્ષિણ કિનારે 29-30 ઓગસ્ટની રાત્રે ચીન દ્વારા કરાયેલા ઘૂસણખોરીના પ્રયાસને ભારતે નિષ્ફળ બનાવ્યો હતો. તે પછી જ આ વિસ્તારમાં બંને દ્વારા વધારાનું સૈન્ય તૈનાત કરાયું છે. ભારતીય સુરક્ષા દળોના હાલના વિસ્તૃત આકલનમાં એવી માહિતી સામે આવી છે કે ચીને મિરર ડિપ્લોયમેન્ટ અર્થાત ભારતીય સૈન્યની દેખાદેખીમાં પોતાના વિસ્તારમાં સૈનિકોની સંખ્યા વધારી છે.

ભારતીય સૈન્યના આકલન રિપોર્ટ અનુસાર પૂર્વ લદાખમાં એલએસીની પાસે પીએલએની બટાલિયનની સંખ્યામાં ગત મહિના કરતાં આ મહિને વધારો કરવામાં આવ્યો છે. ઓગસ્ટમાં લદાખમાં પીએલએની 35 બટાલિયન હાજર હતી, જે સપ્ટેમ્બરમાં વધીને 50 થઇ ગઇ છે. દરેક બટાલિયનમાં 1000થી 1200 સૈનિક હોય છે. 29 ઓગસ્ટ પછી 7 સપ્ટેમ્બરે એકવાર ફરી પીએલએના એક યુનિટે ભારતીય સૈન્યની ફોરવર્ડ પોઝિશનની પાસે આવવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સૈન્યએ ફરી નિષ્ફળ બનાવ્યો હતો. તે પછી ચીન દ્વારા હવામાં ગોળીબાર કરાયો હતો.