કોરોનાનો પણ રંગભેદ : અમેરિકામાં કોરોનાથી શ્વેતની સરખામણીએ અશ્વેત બાળકોના મોત વધુ

અમેરિકા અને બ્રિટન સહિત વિશ્વભરમાં હાલમાં બ્લેક લાઇવ્ઝ મેટર ચળવળ ચાલી રહી છે અને તે મામલે વિરોધ પ્રદર્શનો પણ ચાલી રહ્યા છે તેવા સમયે એક એવો અભ્યાસ રિપોર્ટ સામે આવ્યો છે જેને આઘારે એવું કહી શકાય કે દુનિયામાં ગોરા લોકો તો રંગભેદ ચલાવે છે પણ તેની સાથે જ ચીનના વુહાનની પેદાશ એવો કોરોનાવાયરસ પણ રંગભેદી વલણ અપનાવી રહ્યો છે.

આ અભ્યાસ રિપોર્ટ અનુસાર અમેરિકામાં કોરોનાના કારણે થયેલા 21 વર્ષથી ઓછી વયના યુવાનોના મોતના 78 ટકા મોત અશ્વેત યુવાનોના થયા છે. સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના અભ્યાસ અનુસાર કુલ મોતમાંથી 21 વર્ષથી ઓછી વય ધરાવતા 121 યુવાનો મોતને ભેટ્યા છે.

સીડીસીના રિપોર્ટ અનસાર અમેરિકામાં અશ્વેત બાળકો વધુ જોખમગ્રસ્ત જોવા મળ્યા છે. 1 માર્ચથી 25 જુલાઇ દરમિયાન હોસ્પિટલમાં દાખલ થયેલા 18 વર્ષથી નાની વયના 576 બાળકોના અભ્યાસમાં એવું જોવા મળ્યું હતું કે તેમાંથી અડધા કોઇને કોઇ બિમારીથી પિડાતા હતા. તેમનામાં સ્થૂળતા, ફેફસાની બિમારી વધુ જોવા મળી હતી.

સીડીસીએ એમઆઇએસ સી લઇને 2 માર્ચથી 18 જુલાઅઇ દરમિયાન 40 સ્ટેટના 570 બાળકો પર અભ્યાસ કર્યો હતો. તેમાં એ વાત સામે આવી હતી કે કોરોનાથી પિડાતા 40 ટકા બાળકો હિસ્પેનેક અને 33 ટકા અશ્વેત હતા, તેમની સરખામણીએ શ્વેત બાળકોનો આંકડો માત્ર 13 ટકા હોવાનું જણાયું હતું. અર્થાત કોરોનાવાયરસ પણ રંગ જોઇને પોતાના દર્દીઓને પસંદ કરતો હોવાનું અભ્યાસ જોઇને લાગી રહ્યું છે.

આ પહેલા યુએન વીમેન અને યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા કરવામાં આવેલ એક પ્રોવિઝનલ વિશ્લેષણમાં પણ એવું કહેવાયું હતું કે શ્વેત મહિલાઓની સરખામણીમાં ભારતીય મહિલાઓ કોવિડ-૧૯થી મૃત્યુ પામે તેનું જોખમ ૨.૭ ટકા વધુ હોય છે. આ વાત પણ એ દર્શાવે છે કે કોરોના રંગના આધારે પોતાના દર્દી નક્કી કરતો હોય તેવું લાગી રહ્યું છે.  વિશ્વભરમાં આરોગ્ય અને સામાજીક સંભાળ ક્ષેત્રમાં ૭૦ ટકા કર્મચારીઓ મહિલાઓ હોય છે અને તેમને ચેપનું જોખમ વધારે હોય છે અને ભારતમાં તો આ જોખમ ઓર વધી જાય છે.