કંગના-રવિ કિશન પર વરસી પડ્યા જયા બચ્ચન, બોલ્યા,” જે થાળીમાં ખાદ્યું તેમાં જ કાણું પાડ્યું”

સપાના સાંસદ જયા બચ્ચને આજે રાજ્યસભામાં કહ્યું કે બોલિવૂડને બદનામ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે. મનોરંજન ઉદ્યોગના લોકોને સોશિયલ મીડિયા દ્વારા ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. અભિનેત્રી કંગના રણૌતનું નામ લીધા વિના તેણે કહ્યું હતું કે આ ઉદ્યોગમાં પોતાનું નામ બનાવનારા લોકો હવે તેને ગટર ગણાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે વારંવાર નિવેદનો આપીને ચર્ચામાં આવેલી કંગના રણૌત, 26 ઓગસ્ટે બોલીવૂડને ગટર કહ્યું હતું અને બેફામ વાણી વિલાસ કર્યો હતો.

જયા બચ્ચને કહ્યું, “હું આ પ્રકારની બાબતો સાથે સંપૂર્ણ રીતે અસહમત છું. મને આશા છે કે સરકાર આવા લોકોને આવી ભાષા વાપરવાનું કહેશે નહીં. ફક્ત કેટલાક લોકોના કારણે તમે આખા ઉદ્યોગની છબીને દૂષિત નહીં કરી શકો. ગોરખપુરના ભાજપનાં સાંસદ રવિ કિશનનું નામ લીધા વિના તેમણે કહ્યું કે, “મને શરમ આવે છે કે ગઈકાલે લોકસભામાં આપણા એક સભ્ય, જે ફિલ્મ ઉદ્યોગના છે, તેમણે બોલિવૂડ વિરુદ્વ કહ્યું હતું. આ શરમજનક છે. જે થાળીમાં ખાદ્યું તેમાં જ કાણું પાડ્યું,આ અયોગ્ય વાત છે.

બોલિવૂડના કહેવાતા ડ્રગ્સ કનેક્શન અંગે ભાજપના સાંસદ રવિ કિશને સોમવારે લોકસભામાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ડ્રગ્સે ફિલ્મ ઉદ્યોગમાં પગપેસારો કરી દીધો છે. રવિ કિશને દાવો કર્યો હતો કે ડ્રગની દાણચોરી પાકિસ્તાન અને ચીનથી થઈ રહી છે અને તે દેશની યુવા પેઢીને બરબાદ કરવાનું કાવતરું છે.