બોક્સિંગ ડે ટેસ્ટ માટે વિક્ટોરિયાની સરકાર દર્શકોની હાજરીને મંજૂરી આપે તેવી શક્યતા

વિકટોરિયા રાજ્યના વડાપ્રધાન ડેનિયલ એન્ડ્રયૂઝે સોમવારે કહ્યું હતું કે તેની સરકાર શહેરમાં યોજનારી બે ટોચની રમત સ્પર્ધા માટે દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી આપવા માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ટેનિસ ઓસ્ટ્રેલિયા સાથે વાત કરી રહી છે. આ બે ટોચની રમત સ્પર્ધાઓમાં ભારત સામેની બોક્સિંગ ડે ટેસ્ટ અને ઓસ્ટ્રેલિયન ઓપન સામેલ છે.

એવી અટકળો ચાલી રહી છે કે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) વાર્ષિક બોક્સીંગ ડે ટેસ્ટની યજમાનીથી વંચિત રહે તેવી શક્યતા છે, કારણકે વિક્ટોરિયા સ્ટેટ કોરોનાવાયરસથી વધુ અસરગ્રસ્ત છે. જુલાઇથી લોકડાઉનનો સામનો કરી રહેલા વિક્ટોરિયામાં દેશના કુલ કોરોના કેસમાંથી 75 ટકા કેસ સામે આવ્યા છે. જ્યારે કુલ મોતમાંથી 90 ટકા મોત પણ આ સ્ટેટમાં જ નોંધાયા છે.

એન્ડ્રયુઝે દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમારે એ જોવું પડશે કે દર્શકોની સુરક્ષિત સંખ્યા કેટલી હશે, હાલના સમયે એ કહેવું ઘણું મુશ્કેલ છે કે આ સંખ્યા કેટલી રહેશે. અમારી ઇચ્છા જેમ બને તેમ વધુ લોકોને ત્યાં જોવાની છે. શરત માત્ર એટલી જ છે કે એ સુરક્ષિત હોય. એ ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ કોરોના ગાઇડલાઇન અને આઇસોલેશનના નિયમોમાં ભારતીય ટીમને છૂટછાટ આપવાનો ઇનકાર કરતાં ભારતીય ટીમનો પ્રવાસ સાઉથ ઓસ્ટ્રેલિયાથી શરૂ થવાનો છે.