ફ્રેન્ચ લીગ-1 : પીએસજી અને માર્સેલના ખેલાડીઓની મારામારી, નેમાર સહિતના 5 ખેલાડીઓને રેડ કાર્ડ બતાવાયું

અહીં રમાયેલી ફ્રેન્ચ લીગ-1ની શારીરિક ઘર્ષણ સાથે રમાયેલી એક મેચમાં માર્સેલે પેરિસ સેન્ટ જર્મન (પીએસજી)ને નવ વર્ષમાં પહેલીવાર હરાવ્યું હતું. આ મેચમાં પીએસજીના નેમાર સહિત કુલ પાંચ ખેલાડીને રેડ કાર્ડ બતાવીને બહાર કાઢવામાં આવ્યા હતા. મેચ પછી ગુસ્સામાં નેમારે ટિ્વટ કર્યું હતું કે મને અફસોસ છે કે મેં ગોન્જાલેડના ચહેરા પર થાપડ કેમ ન મારી. પીએસજીના કોચ થોમસ તુસેલે કહ્યું હતું કે નેમારે મને જણાવ્યું કે વિરોધી ટીમના ખેલાડીએ મારી સાથે રંગભેદી ટીપ્પણી કરી હતી. બીજી તરફ માર્સેલના કોચ આન્દ્રે વિલાસે કહ્યું હતું કે ફૂટબોલમાં રંગભેદને કોઇ સ્થાન નથી. મને લાગે છે કે ખેલાડીઓ વચ્ચે વિવાદનું એ કારણ નથી.

માર્સેલના અલવારો ગોન્જાલેજને નેમારે તમાચો ઝીંકી દેતા તેને મેદાનમાંથી બહાર મોકલી દેવાયો

કોરોનામાંથી સાજો થયા પછી પીએસજીના સ્ટાર સ્ટ્રાઇકર નેમાર માટે મેદાન પર વાપસી એટલી સારી રહી નહોતી. માર્સેલ સામેની રવિવારે રમાયેલી ફ્રેન્ચ લીગ-1ની એક મેચમાં હરીફ ખેલાડી અલવારો ગોન્જાલેજને તમાચો ઝીંકી દેવાને કારણે નેમારને રેડ કાર્ડ બતાવીને મેદાન બહાર મોકલી દેવાયો હતો. નેમારે કહ્યું હતું કે તેની સાથે રંગભેદી ટીપ્પણી કરવામાં આવી હતી, જો કે રેફરીએ વીડિયો રિવ્યુ જોયા પછી તેને મેદાન બહાર મોકલ્યો હતો.

હારવાના આરે પહોંચેલી પીએસજીના નેમાર સહિતના સ્ટાર ખેલાડીઓ મારામારી પર ઉતરી આવ્યા

બીજા હાફમાં ઇન્જરી ટાઇમ દરમિયાન માર્સેલના દારિયો બેનેડેટ્ટો અને લિયાન્ડ્રો પેરેડેસ વચ્ચે ઝઘડો થયો હતો. વિવાદ એટલો વધી પડ્યો હતો કે બંને ખેલાડીઓ વચ્ચે ધક્કામુક્કી અને મારામારી થવા માંડી હતી. આ દરમિયાન નેમારે ગોન્જાલેજને તમાચો ઝીંક્યો હતો. આ દરમિયાન પીએસજીના લયવિન કુરજાવા અને જોર્ડન અવામી વચ્ચે પણ ધક્કામુક્કી થવા માંડી હતી અને જોતજોતામાં બંને ટીમના સભ્યો તેમાં સામેલ થયા હતા. રેફરીએ જેમતેમ વિવાદને શાંત કરી પીએસજીના ત્રણ ખેલાડી નેમાર, કુરજાવા અને પેરેડસને રેડ કાર્ડ બતાવીને બહાર કાઢ્યા હતા.

90 મિનીટની મેચમાં 36 ફાઉલ, 5 રેડ કાર્ડ અને 12 યલો કાર્ડ

માર્સેલ અને પીએસજી વચ્ચે રમાયેલી ફ્રેન્ચ લીગ-1ની 90 મિનીટની મેચમાં કુલ મળીને 36 ફાઉલ થયા હતા. મેચની અંતિમ મિનીટોમાં રેફરી દ્વારા બંને ટીમને સજા કરીને પીએસજીના ત્રણ અને માર્સેલના બે મળીને કુલ પાંચ ખેલાડીને રેડ કાર્ડ બતાવાયા હતા. જ્યારે આખી મેચ દરમિયાન કુલ 12 યલો કાર્ડ બતાવાયા હતા. સ્થિતિ એ રહી હતી કે મેચની અંતિમ મિનીટોમાં પીએસજી 8 ખેલાડી સાથે તો માર્સેલ 9 ખેલાડીઓ સાતે રમી હતી.

છેલ્લા એક દશકમાં માર્સેલની પીએસજી પર 20 મેચમાં પહેલી જીત

પેરિસ, તા. 14 : માર્સેલે પીએસજીને આ મેચમાં 1-0થી હરાવ્યું હતું અને મેચનો એકમાત્ર ગોલ ફ્લોરિયન થોવિને કર્યો હતો. માર્સેલે છેલ્લા એક દશકમાં પીએસજી સામે રમેલી 20 મેચમાંથી આ પહેલી જીત મેળવી હતી. પીએસજી માટે ફ્રેન્ચ લીગ-1ની આ સીઝનની શરૂઆત સારી રહી નહોતી. ગત મહિને ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં બાર્યન મ્યુનિચ સામે હાર્યા પછી પીએસજી લીગની શરૂઆતની બે મેચ હારી ચુકી છે. 1978-79 પછી પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે ટીમ ગોલ કર્યા વિના બે મેચ હારી ગઇ હોય.