જાપાનના નવા PM યોશીહિદો સુગા ખેડૂત પિતાના પુત્ર છે, ચૂંટણીમાં 6 જોડીના જૂતા ઘસાઈ ગયા હતા

જાપાનના મુખ્ય કેબિનેટ સચિવ યોશીહિદો સુગા શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલડીપી) ના નવા નેતા તરીકે ચૂંટાયા છે. તેમણે વડા પ્રધાન શિંઝો આબેનું સ્થાને લીધું છે.આબેએ સ્વાસ્થ્યના કારણોસર ગયા મહિને રાજીનામું આપવાની ઘોષણા કરી હતી. હવે બુધવારે અપેક્ષા છે કે સુગા વડા પ્રધાન બનવા સંસદમાં મતદાન જીતી લેશે. સંસદના બંને ગૃહોમાંથી પાર્ટીના સભ્યો અને સ્થાનિક પ્રતિનિધિઓની સંયુક્ત બેઠકમાંથી સુગાની પસંદગી કરવામાં આવી હતી.

બેઠકમાં ઉપસ્થિત 394 ડાયટ સભ્યોએ પોતાનો મત આપ્યો. સુગા સિવાય અન્ય બે ઉમેદવારો ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન શિગેરુ ઇશિબા (63) અને એલડીપીના નીતિના વડા ફુમિઓ કિશિદા (63) હતા. 70 ટકા મતો સુગાના પક્ષમાં હતા. સુગાને  377 અને અન્ય બે દાવેદારોને 157 મત મળ્યા છે. સુગા અને શિંઝો આબે 2012 થી સાથે હતા. સુગા શિંઝો એબેના જમણો હાથ તરીકે જાણીતા છે અને તેમનું વડા પ્રધાન બનવું લગભગ નિશ્ચિત હતું. યોશીહિદો સુગાએ કહ્યું કે હવે તેને આબેની મદદની જરૂર પડશે. સુગાએ કહ્યું, ‘વડા પ્રધાન આબેના નેતૃત્વ હેઠળની મુત્સદ્દીગીરી જબરદસ્ત રહી છે. હું તેમની સાથે સ્પર્ધા કરી શકતો નથી. ‘

યોશીહિદો સુગા એક સામાન્ય ખેડૂતના પુત્ર છે, તેમના પિતા સ્ટ્રોબેરીની ખેતી કરતા હતા. તેઓ તેમના વતનમાં હાઇ સ્કૂલ પૂર્ણ કર્યા પછી તે ટોક્યો ગયા. એક મીડિયા રિપોર્ટ અનુસાર, તેમનો ખર્ચ પૂરો કરવા માટે તેમણે કાર્ડબોર્ડ ફેક્ટરીમાં કામ કરવું પડતું હતું અને કેટલીકવાર ફિશ માર્કેટમાં પણ કામ કર્યું. હકીકતમાં સુગા કામ સાથે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા, તેઓ અહીં નોકરી કરીને ખર્ચ ચલાવી રહ્યા હતા.

ગ્રેજ્યુએશન પછી, સુગા જાપાનની કોર્પોરેટ જગતમાં જોડાયા અને યોગ્ય પગાર પર કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ તેમનું મન અહીં લાગ્યું નહી અને રાજકારણમાં જોડાયા. લાંબા સમયથી સાથે રહેલા આબે અને સુગાનું જીવન એકદમ અલગ જ હતું. આબેના પિતા જાપાનના વિદેશ પ્રધાન રહી ચૂક્યા હતા, ત્યારે સુગા એક સામાન્ય જાપાની પરિવારના હતા.

નોકરી છોડીને રાજકારણમાં આવેલા સુગા યોકોહામા સિટી કાઉન્સિલની ચૂંટણી લડવા માટે આવ્યા હતા. તે સમયે તેમની પાસે કોઈ રાજકીય જોડાણ નહોતું કે રાજકારણનો અનુભવ પણ નહોતો. પરંતુ સુગા જાતે જ લડવા માટે ઉતરી ગયા. તેમણે ઘરે-ઘરે જ તેની ઝુંબેશની શરૂઆત કરી. તેઓ એક દિવસમાં 300 મકાનોમાં જતા. એલડીપી અનુસાર, ચૂંટણી પ્રચાર પૂરો થયો ત્યાં સુધીમાં તેઓ લગભગ 30,000 ઘરોમાં ગયા હતા. પક્ષના મતે, ચૂંટણી પૂરી થઈ ત્યાં સુધીમાં સુગાએ 6 જોડી જૂતા ફાડી નાખ્યા હતા.