કેરળના ત્રિશુર જિલ્લાની પોલીસે કર્યું એવું કામ કે સોશિયલ મીડિયા પર થવા માંડી પ્રશંસા

કેરળના ત્રિશુર જિલ્લાના ચેરુથુર્થી પોલીસ મથકની આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઇ રહી છે. તેની પાછળનું કારણ છે પોલીસે જપ્ત કરેલા વાહનોનો તેમના દ્વારા કરાયેલો અનોખો ઉપયોગ. 2019ના એક અહેવાલ અનુસાર રાજ્યના પોલીસ સ્ટેશનોમાં 40 હજારથી વધુ જપ્ત કરાયેલા વાહનો કાટ ખાઇ રહ્યા હતા. આ વાહનોમાં ટુ વ્હીલરથી માંડીને ભારે માલવાહક વાહનોનો સમાવેશ થાય છે.

હવે વર્ષોથી કાટ ખાઇ રહેલા આ વાહનોમાં ચેરુથુર્થી પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસને એવો આઇડિયા આવ્યો કે આમ પણ વાહનો કાટ ખાઇ રહ્યા છે તો કેમ ન તેમાં ઓર્ગેનિક ખેતી કરવામાં આવે. અને એ આઇડિયા છવાઇ ગયો અને વાહનોમાં ઉગાડાતું શાકભાજી હવે પોલીસ કેન્ટીનમાં કામ લાગી રહ્યું છે. આ કામની જવાબદારી રંગરાજ નામક એક પોલીસ અધિકારીએ સંભાળી છે, જેઓ પોતે પોલીસ હોવાની સાથોસાથ એક ખેડૂત પણ છે.

રંગરાજે અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની સાથે મળીને આ કામને પાર પાડ્યું. જેમાં પહેલા તબક્કામાં ભીંડા, પાલખ, ચોળી સહિતની શાકભાજીઓ ઉગાડવામાં આવી. રેતી અને માટીની ગેરકાયદે હેરફેર કરતાં પકડાયેલી મિની ટ્રકમાં ત્રણ મહિના પહેલા શાકભાજી ઉગાડવાનું નક્કી કરાયું અને એ પ્રયાસ સફળ થો. પહેલો પાક પોલીસ કેન્ટીનમાં આપવામા આવ્યો. ખેતી સારી થતાં હવે તેઓ તેને વિસ્તારવાની યોજના બનાવી રહ્યા છે, અર્થાત અન્ય કેટલાક વાહનોમાં પણ હવે શાકભાજી ઉગાડવામાં આવશે.