ભાવનગર બંદર ખાતે વિશ્વના સૌ પ્રથમ CNG પોર્ટ ટર્મિનલની નિર્માણ કામગીરીના પ્રારંભની નવી દિશા ખોલતા મુખ્યમંત્રી રૂપાણી

મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ ભાવનગર ખાતે વિશ્વના સૌ પ્રથમ સી.એન.જી ટર્મિનલ પોર્ટ વિકસાવવા માટેના લેટર ઓફ ઇન્ટેન્ટને મંજૂરી આપતા હવે, આ પોર્ટના વિકાસની કામગીરીનો પ્રારંભ થશે.

ભાવનગર ખાતે આ CNG ટર્મિનલના નિર્માણથી ગુજરાત વિશ્વના એક માત્ર CNG ટર્મિનલ તરીકે વર્લ્ડ મેરિટાઇમ મેપ પર ગૌરવવંતુ સ્થાન મેળવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડની નવેમ્બર-2019માં મળેલી બેઠકમાં વિશ્વના સૌપ્રથમ CNG ટર્મિનલની સ્થાપના ગુજરાતમાં કરવાની દરખાસ્તને સ્વીસ ચેલેન્જ પધ્ધતિથી હાથ ધરવા સૈધ્ધાંતિક મંજૂરી આપી હતી.

મુખ્યમંત્રીએ આ દરખાસ્તને મંજૂરી આપતા ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા નિયમોનુસારની તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી.

રાજ્યના સૌપ્રથમ બ્રાઉનફિલ્ડ પોર્ટ પ્રોજેક્ટ માટે જૂદી-જૂદી સર્વગ્રાહી નીતિઓને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે ફોરસાઇટ ગૃપ, પદમનાભ મફતલાલ ગૃપ અને નેધરલેન્ડ સ્થિત બોસ્કાલીસના કન્સોર્શીયમને વિકાસકાર તરીકે આ બ્રાઉનફિલ્ડ પોર્ટ અંતર્ગત વિશ્વના પ્રથમ સી.એન.જી. ટર્મિનલ વિકસાવવા મંજૂરી આપી છે.

જેના આધારે કોન્સોર્શીયમ આ પ્રોજેક્ટ વિકસાવવાની કામગીરી માટે DPR તૈયાર કરવાની અને પર્યાવરણ મંજૂરી મેળવવાની કામગીરી હાથ ધરશે, જેમા ૧૮ માસ જેટલો સમય લાગશે, અને ત્યારબાદ સ્થળ પર બાંધકામની કામગીરી ત્રણ વર્ષમાં પૂર્ણ કરશે.

મુખ્યમંત્રી  વિજય રૂપાણીના દ્રષ્ટિવંત માર્ગદર્શનમાં ગુજરાત વિશ્વના આ સૌ પ્રથમ CNG ટર્મિનલ સાથે દેશમાં CNG અને LNG બંને માટેના ટર્મિનલ ધરાવતું દેશનું એક માત્ર રાજ્ય બનશે.

રાજ્યમાં હાલ દહેજ અને હજિરામાં LNG ટર્મિનલ પછી ભાવનગરનું આ વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ વર્લ્ડ મેરિટાઇમ મેપ પર ગુજરાતનો દબદબો પ્રસ્થાપિત કરશે.

ભાવનગર બંદરે નિર્માણ થનારા આ CNG ટર્મિનલ પ્રોજેકટમાં પ્રથમ તબક્કે રૂ. ૧૩૦૦ કરોડના મૂડીરોકાણથી પ્રતિવર્ષ ૧પ લાખ ટન ક્ષમતાનું CNG ટર્મિનલ તેમજ પ્રતિવર્ષ ૪પ લાખ ટન ક્ષમતાનું લીકવીડ કાર્ગો ટર્મિનલ, કન્ટેનર અને વ્હાઇટ કાર્ગો ટર્મિનલ તેમજ રો-રો ટર્મિનલ વિકસાવવાનું આયોજન છે. આ સમગ્ર પ્રોજેકટ રૂ. ૧૯૦૦ કરોડના અંદાજિત ખર્ચે આકાર પામવાનો છે.

ભાવનગર વિશ્વમાં શિપ રિસાયકલીંગ ઊદ્યોગમાં અલંગના સૌથી મોટા શિપ બ્રેકીંગ-રિસાયકલીંગ યાર્ડ તરીકે પ્રખ્યાત છે. હવે વિશ્વનું આ પ્રથમ CNG ટર્મિનલ ભાવનગરની યશકલગીમાં નવું મોરપિંચ્છ બનશે.

એટલું જ નહિ, ભાવનગર અને આસપાસના વિસ્તારના યુવાઓ માટે લોજિસ્ટીકસ, ટ્રાન્સપોર્ટેશન અને વરેહાઉસીંગ ક્ષેત્રે રોજગારીની વિશાળ તકો પણ ખૂલતી થશે.

ભાવનગરમાં આ પોર્ટ વિકસાવવા ચેનલ અને પોર્ટ બેઝિનમાં ડ્રેજિંગ, બે લોકગેટસનું બાંધકામ અને કિનારા ઉપર CNG ટ્રાન્સપોર્ટેશન માટેની ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલિટીઝ વિકસાવવામાં આવનાર છે.

હાલ ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તક ભાવનગર બંદરનું સંચાલન છે અને વાર્ષિક ૩ મિલીયન મેટ્રિક ટન કાર્ગોનું પરિવહન થાય છે. આ CNG ટર્મિનલ કાર્યરત થતાં ભાવનગર બંદરની કાર્ગો વહન ક્ષમતા વાર્ષિક ૯ મિલીયન મેટ્રિક ટન થશે.

મુખ્યમંત્રી રૂપાણીએ ૧૬૦૦ કિ.મી. લાંબો દરિયાકિનારો ધરાવતાં ગુજરાતને મેરિટાઇમ ડેવલપ્ડ સ્ટેટ તરીકે દરિયાઇ વેપારનું પ્રવેશદ્વાર બનાવવાની જે નેમ રાખી છે તેમાં આ CNG ટર્મિનલ નવું બળ આપશે.

મુખ્યમંત્રી રૂપાણીએ તાજેતરમાં જામનગરના સચાણા બંદરને પૂન: ધમધમતું કરવા મંજૂરી આપ્યા બાદ હવે વિશ્વના આ પ્રથમ CNG ટર્મિનલના ભાવનગરમાં નિર્માણ માટેની લીલીઝંડી આપતાં મેરિટાઇમ બોર્ડ ફોરસાઇટ ગૃપ કોન્સોરિયમને લેટર ઓફ ઇન્ટેન્ટ આપીને CNG ટર્મિનલ પોર્ટ વિકસાવવાની કામગીરીને વેગવંતી બનાવશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે ભાવનગર સુધી બ્રોડગેજ રેલ્વે અને નેશનલ હાઇવે જોડાયેલા છે. આના પરિણામે આ CNG ટર્મિનલનો ફાયદો દેશના ઉત્તર અને પશ્ચિમ છેડાઓના માલ પરિવહનને પણ વ્યાપક પ્રમાણમાં મળશે.

ભાવનગરમાં આકાર પામનારા વિશ્વના આ સૌ પ્રથમ CNG ટર્મિનલ પ્રોજેકટસને પરિણામે સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારાની પુરાતન જાહોજલાલી અદ્યતન પોર્ટ ડેવલપમેન્ટથી પૂન: ચેતનવંતી કરવાની મુખ્યમંત્રીની નેમ સાકાર થશે.