ચીનનો દાવો, નવેમ્બર સુધીમાં સામાન્ય લોકોના ઉપયોગ માટે કોરોનાની રસી ઉપલબ્ધ થઇ જશે

ચીનના વુહાન શહેરમાંથી ફેલાઇને આખા વિશ્વને પોતાના લપેટામાં લેનાર કોરોનાવાયરસે વિશ્વભરમાં તબાહી મચાવી છે. હવે એ જ ચીનથી એક સારા સમાચાર આવી રહ્યા છે. ચીન દ્વારા વિકસીત કરવામાં આવી રહેલી કોરોનાવાયરસની રસી આ વર્ષે જ નવેમ્બર મહિનામાં સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થઇ શકશે. કોરોનાકાળમાં આ એક મોટી ખુશખબરી ગણી શકાય. કારણકે મોટાભાગની વેક્સીન આવતા વર્ષ સુધી આવવાનો અંદાજ છે. જો કે ચીનના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના એક અધિકારીએ એ વાતનો દાવો કર્યો હતો કે નવેમ્બર સુધીમાં ચીનની કોરોના વેક્સીન આવી જશે.

હકીકતમાં ચીનની ચાર કોરોનાવાયરસ અથવા કોવિડ 19  વેક્સીન ફાઇનલ સ્ટેજમાં છે. તેમાંથી ત્રણ વેક્સીન કોરોના  વોરિયર્સને જુલાઇમાં ઇમરજન્સી ઉપયોગ હેઠળ આપવામાં આવી હતી. સીડીએસના અધ્યક્ષ અને બાયોસેફ્ટી નિષ્ણાત ગુજેન વૂએ એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે વેક્સીનના ત્રીજા તબક્કાનું ક્લિનીકલ ટ્રાયલ યોગ્ય અને ઝડપથી આગળ વધી રહ્યું છે અને કોરોના વેક્સીન નવેમ્બર કે ડિસેમ્બરમાં સામાન્ય જનતાના ઉપયોગ માટે ઉપલબ્ધ થઇ શકે છે.

વુએ વધુમાં કહ્યું હતું કે તેમણે જાતે જ એપ્રિલ મહિનામાં એક પ્રાયોગિક વેક્સીન લીધા પછી હાલના મહિનામાં કોઇ અસામાન્ય લક્ષણ અનુભવ્યા નથી. જો કે તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો નહોતો કે તેઓ કઇ રસીની વાત કરી રહ્યા છે.  હકીકતમા ચીનની ફાર્માસ્યુટીકલ ગ્રુપની કંપની સિનોફાર્મ અને અમેરિકાની સિનોવેક બાયોટેક SVA.O મળીને ઇમરજન્સી યૂઝ પ્રોગ્રામ હેઠળ ત્રણ રસીના નિર્માણ પર કામ કરી રહી છે. કનસિનો બાયોલોજિક્સ 6185.HK દ્વારા વિકસીત કરાતી ચોથી વેક્સીન જૂનમાં ચાઇનીઝ સૈન્યના ઉપયોગ માટે મંજૂર કરવામાં આવી હતી.