ઓનલાઇન શોપિંગમાં આવેલા ઉછાળાને પહોંચી વળવા એમેઝોન એક લાખ કર્મચારીઓની ભરતી કરશે

એમેઝોને આજે જણાવ્યું હતું કે ઓનલાઇન ઓર્ડરોમાં આવેલા ઉછાળાને પહોંચી વળવા તે વધુ ૧૦૦૦૦૦ લોકોને નોકરીઓે રાખશે.  આ કંપનીએ જણાવ્યું હતું કે નવી ભરતીઓ પાર્સલો પેક કરવા, તેમને રવાના કરવા તથા ઓર્ડરોનું સોર્ટિંગ કરવાના કામમાં મદદ કરશે. આમાં લોકો પાર્ટ-ટાઇમ અને ફૂલ-ટાઇમ કામ કરી શકશે. એમેઝોને જણાવ્યું હતું કે આ નોકરીઓ સામાન્ય રીતે રજાઓ દરમ્યાન આપવામાં આવતી નોકરીઓ જેવી હંગામી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વની અગ્રણી ઓનલાઇન શોપીંગ કંપની એવી એમેઝોન કે જે અમેરિકાના સિએટલમાં વડુંમથક ધરાવે છે તેનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે. તેણે એપ્રિલ અને જુન વચ્ચે તો વિક્રમી આવક અને નફો મેળવ્યા હતા કારણ કે રોગચાળાને કારણે વધુ પ્રમાણમાં લોકો કરિયાણું અને માલસામાન ખરીદવા એમેઝોન તરફ વળ્યા હતા.

ઓર્ડરોના ધસારાને પહોંચી વળવા કંપનીએ આ વર્ષની શરૂઆતમાં ૧૭પ૦૦૦ લોકોની ભરતી કરવી પડી હતી અને ગયા સપ્તાહે તેણે જણાવ્યું હતું કે તેને ૩૩૦૦૦ કોર્પોરેટ અને ટેક જોબ્સની જગ્યાઓ પુરવાની જરૂર છે. એમેઝોને જણાવ્યું હતું કે આ મહિને તે ૧૦૦ નવા ગોદામો, પેકેજ સોર્ટિંગ સેન્ટરો અને અન્ય સવલતો તે શરૂ કરી રહી છે અને તેમના માટે તેણે વધુ કર્મચારીઓની જરૂર પડશે.

કેટલાક શહેરો જેવા કે ડેટ્રોઇટ, ન્યૂયોર્ક, ફિલાડેલ્ફિયા અને લુઇસવિલે વગેરેમાં તો તેને કર્મચારીઓ શોધવામાં મુશ્કેલી પડી રહી છે અને આના કારણે તે કર્મચારીઓને નોકરીએ જોડાતા જ ૧૦૦૦ ડોલરના બોનસની ઓફર કરી રહી છે. તહેવારોની ઋતુ શરૂ થાય પછી તો તેના ધંધામાં ઓર ઉછાળો આવવાની શક્યતા છે.