નર્મદા નદીમાં જળસ્તર વધતા 30 ગામોને અસર, ગોલ્ડન બ્રિજનું લેવલ 32.86, ગરૂડેશ્વરનો પુલ ધોવાયો

નર્મદા નદીના વધતા જળસ્તર મામલે આજે સવારે જિલ્લા કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું કે ભરૂચ,અંકલેશ્વર, ઝઘડિયા, તાલુકાના મળી 4977 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. 30 ગામોને પુરની અસર થઇ છે. NDRF બે ટીમ કાર્યરત કરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા સ્થિતિ પર સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી 32.86 ફૂટ છે. સપાટી હજુ  વધવાની સંભાવના છે. લોકોને નદી કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે. અસરગ્રસ્તો માટે જમવા તેમજ મેડિકલની સુવિધા કરવામાં આવી છે. આ ઉપરાંત ખેતીના નુકશાનનું સર્વે કરાશે.

ગરુડેશ્વર પુલનો પિલ્લર ધોવાય જવાથી પુલ બંધ કરી દીધો છે. હવે ગોરા પુલ પરથી વાહન વ્યવહાર ચાલી રહ્યો છે. ભરૂચના ફુરજા બંદર પિકનિક સ્પોટ બની જવા પામ્યું છે.

ભરૂચ શહેરના ફુરજા ચાર રસ્તા વિસ્તારના બજારમાં પૂરના પાણી પ્રવેશી જતા વેપારીઓને મોટું નુકસાન થવાનો અંદાજ છે.

નર્મદા નદીમાં ભાડભૂત ગામેથી સરફુદ્દીન તરફ આવતા બોટ બંધ થઈ જતા, પાંચ ઈસમો નર્મદા નદીમાં ફસાઈ ગયેલ હતા, તેઓને તાલુકા વિકાસ અધિકારી અને NDRFની ટીમ સાથે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી, તમામને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.

કોવિડ સ્મશાનમાં પાણી ભરાતા મૃતદેહના અંતિમક્રિયા માટે ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલા નવા બ્રિજ નીચે અને તેની બાજુ માં આવેલી ખુલ્લી જગ્યામાં તંત્ર દ્વારા સૂચના અપાતા બે અગ્નિસંસ્કાર ત્યાં કરવામાં આવ્યા હતા.