IPL 2020 પહેલા તમામ ખેલાડીઓના કરાશે આટલા કોરોના ટેસ્ટ : ટૂર્નામેન્ટમાં આ વખતે જોવા મળશે આ ફેરફાર

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 13મી એડિશન સંબંધી તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમાં એવું સામે આવ્યું છે કે સંયુક્ત આરબ અમિરાત (યૂએઇ)માં રમાનારી આઇપીએલ દર્શકો વગર જ રમાશે અને આઇપીએલ શરૂ થતાં પહેલા તમામ ખેલાડીઓના 4 કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવશે.

રમત મંત્રાલયની મંજૂરી મળી પણ ગૃહ મંત્રાલયની લીલી ઝંડી મળવાની બાકી

સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન યૂએઇમાં રમાનારી આઇપીએલ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓની પત્ની કે ગર્લફ્રેન્ડ સાથે રહેશે કે કેમ એ બાબતે નિર્ણય ફ્રેન્ચાઇઝીએ લેવાનો છે. આઇપીએલ 2020 માટે હજુ કેન્દ્ર સરકારે મંજૂરી આપી નથી. જો કે યૂએઇએ યજમાનીની દરખાસ્ત સ્વીકારી લીધી છે.  ભારતમાં રમત મંત્રાલયે તો આઇપીએલને વિદેશમાં આયોજીત કરવા મામલે બીસીસીઆઇને લીલી ઝંડી આપી દીધી છે પણ ગૃહ મંત્રાલય દ્વારા હજુ સુધી મંજૂરી આપવામાં આવી નથી.

4 ટેસ્ટમાંથી બે ટેસ્ટ ભારતમાં અને બે ટેસ્ટ યૂએઇમાં કરવામાં આવશે

બીસીસીઆઇ દ્વરા નક્કી કરાયેલી એસઓપીમાં જણાવાયું છે કે દરેક ખેલાડીએ ટૂર્નામેન્ટ શરૂ થવાના બે અઠવાડિયાના સમયગાળા દરમિયાન 4 કોવિડ-19 ટેસ્ટમાંથી પસાર થવાનું રહેશે. બે ટેસ્ટ ભારતથી યુએઇ જતા પહેલા કરવામાં આવશે અને બે ટેસ્ટ યૂએઇમાં ક્વોરેન્ટાઇન પીરિયડ દરમિયાન કરવામાં આવશે. આ એસઓપીને વેસ્ટઇન્ડિઝ સામેની ટેસ્ટ સીરિઝ માટે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા તૈચાર કરાયેલા માપદંડ અનુસાર તૈયાર કરવામાં આવી છે. એક વાર કોઇ ટીમને એક હોટલ એલોટ કરી દેવાશે તો પછી તેને કોઇ ભોગે બદલી શકાશે નહીં.

બીસીસીઆઇની એસઓપીને ધ્યાને લેતા મોટા ફેરફારો જોવા મળશે

આ ઉપરાંત કોમેન્ટેટરોએ પણ પોતાની વચ્ચે 6 ફૂટનું અંતર જાળવવું પડશે. આ ઉપરાંત પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન પણ સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે આયોજીત કરવામાં આવશે.  આઇપીએલના ડગ આઉટમાં પણ આ વખતે ઓછા લોકો બેસી શકશે. જ્યારે ડ્રેસિંગ રૂમમાં 15 ખેલાડીઓથી વધુને મંજૂરી આપવામાં આવશે નહીં. આ પ્રકારની સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજન (એસઓપી) બીસીસીઆઇ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તેને લાગુ કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

માત્ર ખેલાડી જ નહીં, ફ્રેન્ચાઇઝી માલિકો સહિત કોઇને બાયો સિક્યોર બબલ તોડવાની મંજૂરી નહીં મળે

બીસીસીઆઇના એક અધિકારીએ માહિતી આપી હતી કે માત્ર ખેલાડીઓ જ નહીં પણ ફ્રેન્ચાઇઝી માલિકો, ખેલાડીઓની પત્ની કે ગર્લફ્રેન્ડ કોઇને પણ બાયો સિક્યોર બબલ તોડવાની મંજૂરી નહી મળે.  અધિકારીએ જણાવ્યું હતું કે એકવાર જે કોઇ બાયો સિક્યોર બબલમાં આવી જશે તેને એ વાતાવરણ તોડવાની મંજૂરી મળશે નહી, અર્થાત તેણે ત્યાંથી અન્યત્ર જવા મળશે નહીં. અમે નક્કી કરેલા પ્રોટોકોલનું પાલન તમામે કરવું પડશે,  ત્યાં સુધી કે ટીમનો બસ ડ્રાઇવર પણ  બાયો બબલ છોડી શકશે નહીં.

ખેલાડીઓની પત્ની/ગર્લફ્રેન્ડ હાજર રહેવા સંબંધી નિર્ણય ફ્રેન્ચાઇઝી પર છોડાયો

બીસીસીઆઇના અધિકારીએ જણાવ્યું હતું કે ખેલાડીઓની વાઇફ/ગર્લફ્રેન્ડ (વીએજી) અને પરિવારના સભ્યો ખેલાડી સાથે પ્રવાસ કરી શકશે કે નહીં તે બીસીસીઆઇ નક્કી નહીં કરે અમે તે નિર્ણય ફ્રેન્ચાઇઝી પર છોડી દીધો છે. આઇપીએલ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓની પત્ની કે ગર્લફ્રેન્ડ સાથે રહેશે કે કેમ એ બાબતે નિર્ણય ફ્રેન્ચાઇઝીએ લેવાનો છે. પણ અમે એક પ્રોટોકોલ નક્કી કર્યો છે જેનું પાલન તમામે કરવું પડશે, આવતા અઠવાડિયે બેઠક થશે ત્યારે એસઓપી ફ્રેન્ચાઇઝીને સોંપી દેવાશે, તે પછી આ મામલે જે કોઇને ફરિયાદ હશે તો તેઓ બોર્ડ સાથે તેની ચર્ચા કરી શકે છે.