ખરેખર ગુજરાતમાં બેરોજગારી ઘટી ગઈ? શું કહે છે સરકારી આંકડા, જાણો વિગતવાર

ગુજરાત સમગ્ર દેશમાં સૌથી ઓછા 3.4 ટકાના બેરોજગારી દર સાથે દેશભરમાં રોજગારી આપવામાં અગ્રેસર રહ્યું છે. તાજેતરના પીરીયોડિક લેબર ફોર્સ સર્વે ડૉકયુમેન્ટમાં આ વિગતો સામે આવી છે. રાજ્યમાં MSME સેકટર સહિતના ઊદ્યોગોને રાજ્ય સરકારના પ્રોત્સાહનો, સરળ નીતિઓ, ત્વરિત લોન સહાય, લેબર રિફોર્મ્સ અને ઊદ્યોગ સંસ્થાપનમાં સરળતાને પગલે વધુ ઊદ્યોગો રાજ્યમાં આવતાં આ વર્ષે આ બેરોજગારી દર ગત વર્ષના 4.5 ટકાથી પણ ઘટીને 3.4 ટકા થઇ ગયો છે.

આ સર્વે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેટીકસ એન્ડ પ્રોગ્રામ ઇમ્પલીમેન્ટેશનના નેશનલ સ્ટેટેટીકલ ઓફિસ દ્વારા હાથ ધરવામાં આવે છે.

શહેરી વિસ્તારોમાં 15 થી 59 વર્ષની વય જૂથમાં ગુજરાત દેશમાં સૌથી ઓછા 3.4 ટકાના બેરોજગારી દર સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે તેવું આ સર્વેની વિગતો પરથી ફલિત થયું છે.
વિશેષ ઉલ્લેખનીય એ છે કે, ગુજરાતે પોતાનો જ અગાઉના વર્ષનો આવો સૌથી ઓછી બેરોજગારીનો રેકોર્ડ આ વર્ષે તોડયો છે.

આ જ સર્વેમાં ગયા વર્ષે ગુજરાત 4.5 ટકાના સૌથી ઓછા બેરોજગારી દર સાથે દેશમાં અગ્રેસર રહ્યું હતું.

ગુજરાતની તૂલનાએ બેરોજગારી દરમાં અન્ય મોટા રાજ્યો કર્ણાટક 5.3, મહારાષ્ટ્ર 6.6, તામિલનાડુ 7.2, આંધ્રપ્રદેશ 7.8, હરિયાણા 9 અને કેરાલા 11 તેમજ તેલંગાણા 11.5 ટકાનો બેરોજગારી દર ધરાવે છે.