અહેમદ પટેલના ઘરે પહોંચી ઈડીની ટીમ, સાંડેસરા કૌભાંડમાં પૂછપરછ, નિવેદન નોંધાશે

કોંગ્રેસના નેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલના ઘરે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ પહોંચી છે. સાંડેસરા કેસમાં અહેમદ પટેલની પૂછપરછ કરવામાં આવશે અને તેમનું નિવેદન નોંધવામાં આવશે.

સાંડેસરા ભાઈઓ પર આરોપ છે કે, તેમણે અહેમદ પટેલના કહેવાથી દિલ્હીના વસંત વિહારમાં એક ઘર ખરીદ્યું હતું. તેને રિનોવેટ કરીને અહેમદ પટેલના જમાઈ ઈરફાન સિદ્દીકીને રહેવા માટે આપ્યું હતું. આરોપ છે કે આ ઘર બેન્ક કૌભાંડના નાણાથી ખરીદાયું હતું.

સાંડેસરા ગ્રૂપના એક કર્મચારીના નિવેદન અનુસાર, વસંત વિહારનું ઘર ચેતન સાંડેસરાએ ખરીદ્યું હતું અને તેના રિનોવેશનનું કામ ગુરુગ્રામની કંપની બેન્ચ ક્રાફ્ટને સોંપ્યું હતું. રિનોવેશનની સંપૂર્ણ જવાબદારી અશ્વિની નરૂલા પાસે હતી. રિનવોશન પછી આ ઘર અહેમદ પટેલના જમાઈને રહેવા માટે આપી દેવાયું હતું. ઈડીએ આ પહેલાં ઈરફાન સિદ્દીકીનું પણ નિવેદન નોંધ્યું છે.

સાંડેસરા ગ્રુપ પર બેન્કો સાથે રૂ.14,500 કરોડની છેતરપીંડી કરવાનો આરોપ છે. આ અગાઉ સીબીઆઈએ રૂ.5000 કરોડની છેતરપીંડીનો પણ કેસ દાખલ કર્યો હતો. ત્યાર પછી ઈડીએ મનો લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.

ઈડીની તપાસમાં જાણવા મળ્યું છે કે, સાંડેસરા ગ્રુપે ભારતીય બેન્કોની ઓવરસીઝ બ્રાન્ચોમાંથી પણ લગભગ રૂ.9000 કરોડની લોન લીધી છે. લોન લીધા પછી આ પૈસા નકલી કંપનીઓ દ્વારા જુદા-જુદા દેશોમાં મોકલવામાં આવ્યા અને ત્યાર પછી તેને નાઈજીરિયામાં ટ્રાન્સફર કરાયા હતા. તાજેતરમાં જ ઈડીએ કાર્યવાહી કરતા સાંડેસરા ગ્રુપની વિદેશોમાં 9778 કરોડની સંપત્તી ટાંચમાં લીધી હતી. જેમાં નાઈજીરિયામાં ઓઈલ ફીલ્ડ, વિમાન, જહાજ અને લંડનમાં એક ઘરનો સમાવેશ થાય છે.