કોરોનિલ વિવાદ: બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્વ FIR દાખલ

યોગગુરુ બાબા રામદેવ કોરોના વાયરસને ‘કોરોનિલ’ દવાથી મટાડવાના દાવાને લઈ મુશ્કેલીમાં ઘેરાતા જઈ રહ્યા છે. રાજસ્થાનના જયપુરમાં બાબા રામદેવ, પતંજલિ આયુર્વેદના સીઇઓ આચાર્ય બાલકૃષ્ણ અને અન્ય ત્રણ લોકો સામે આ ડ્રગનો દાવો કરવા બદલ એફઆઈઆર નોંધાઈ છે. એફઆઈઆરમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે બાબા રામદેવે પતંજલિ આયુર્વેદ ડ્રગ કોરોનિલને કોરોના વાયરસની દવા તરીકે પ્રોત્સાહન આપીને દેશની ગેરમાર્ગે દોર્યો છે.

ઇન્ડિયા ટુડેના રિપોર્ટ માં જણાવાયું છે કે, જયપુરના જ્યોતિ નગર પોલીસ સ્ટેશનમાં આચાર્ય બાલકૃષ્ણ, વૈજ્ઞાનિક અનુરાગ વાષ્ણર્ય, એનએમએસના અધ્યક્ષ બલબીરસિંહ તોમર અને ડીરેક્ટર અનુરાગ તોમર વિરુદ્ધ જયપુરના જ્યોતિ નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. એફઆઈઆરમાં આ લોકો પર કોરોનિલને કોરોના વાયરસની દવા ગણાવી ગેરમાર્ગે દોરી ભ્રામક પ્રચાર દ્વારા દેશને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

આ કેસને કન્ફર્મ કરતાં જ્યોતિ નગર પોલીસ સ્ટેશનના એસએચઓ સુધીરકુમાર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે પતંજલિના બાબા રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ, બલબીરસિંહ તોમર, અનુરાગ તોમર અને વૈજ્ઞાનિક અનુરાગ વાષ્ણર્યની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ એફઆઈઆર કોરોનિલના ગેરમાર્ગે દોરનારા પ્રચારના કેસમાં આઈપીસીની કલમ 420 (છેતરપિંડી) સહિતની વિવિધ કલમો હેઠળ નોંધવામાં આવી છે. એફઆઈઆર બલબીર જાખાર નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી છે.

નોંધપાત્ર વાત એ છે કે, રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ બિહારની કોર્ટમાં પણ ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી, આક્ષેપ કર્યો હતો કે આ લોકોએ કોરોના વાયરસની સારવાર માટે દવાઓ બનાવવાનો દાવો કરીને લાખો લોકોને ગેરમાર્ગે દોર્યા હતા, જેમનું જીવન જોખમમાં છે. આ મામલે 30 જૂને સુનાવણી થશે. જ્યારે રામદેવની પતંજલિ આયુર્વેદ કહે છે કે તેમણે કોઈ નિયમો તોડ્યા નથી અને સરકારના તમામ નિયમોનું પાલન કર્યું છે તથા દવાની ક્લિનિકલી ટ્રાયલ કરવામાં આવી છે અને એ સફળ રહી છે.