PM મોદીની મિત્રતાનો ફાયદો: ડેમોક્રેટીકનાં બદલે રિપબ્લીકનને સમર્થન કરતાં અમેરિકા સ્થિત ભારતીયો, ટ્રમ્પે માન્યો આભાર

વ્હાઇટ હાઉસે કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના લોકો અને ભારતીય-અમેરિકનો સાથે મળી રહેલા “વ્યાપક સમર્થન” માટે “ખૂબ આભારી” છે. વ્હાઇટ હાઉસે આ ટિપ્પણી મતદાનના જવાબમાં કરી હતી, જેમાં સંકેત આપવામાં આવ્યો હતો કે યુએસના કેટલાક મુખ્ય રાજ્યોમાં ભારતીય સમુદાયના 50 ટકાથી વધુ સભ્યો નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પની તરફેણમાં જઇ રહ્યા છે. વ્હાઇટ હાઉસના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી સારા મેથ્યુઝે તાજેતરના સર્વેના પરિણામો પરના સવાલના જવાબ આપતી વખતે આ ટિપ્પણી કરી હતી.

ભારતીય-અમેરિકનો, જે સામાન્ય રીતે ડેમોક્રેટિક પાર્ટીને મત આપે છે, તેઓ ત્રીજી નવેમ્બરની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ટ્રમ્પની તરફેણમાં છે. મેથ્યઝે પીટીઆઈને કહ્યું, “રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારતના લોકો અને અમેરિકાના લાખો ભારતીય-અમેરિકનો તરફથી મળેલા વિશાળ સમર્થન માટે ખૂબ આભારી છે.”

ટ્રમ્પની ભારતીય-અમેરિકન નાણાકીય સમિતિના સહ-અધ્યક્ષ અલ મેસને કરેલા મતદાનના પરિણામો અનુસાર 50 ટકાથી વધુ ભારતીય-અમેરિકનોએ મિશિગન, ફ્લોરિડા, ટેક્સાસ, પેન્સિલવેનિયા અને વર્જિનિયાના મુખ્ય રાજ્યોમાં ટ્રમ્પની તરફેણ કરી છે.

રાષ્ટ્રપતિ પદ દરમિયાન ટ્રમ્પે ભારતીય અમેરિકન સમુદાય સુધી પહોંચવા માટે વધારાના પ્રયાસો કર્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના નિકટના સંબંધોએ તેમને ભારતીય-અમેરિકનોના હૃદયમાં સ્થાન બનાવવામાં ઘણી મદદ કરી છે. મેથ્યુઝે કહ્યું કે તેમણે (ટ્રમ્પે) આપણી અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ, આપણી સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવા અને આપણા સમુદાયોને મજબૂત બનાવવામાં ભારતીય અમેરિકનોની મહત્વપૂર્ણ ભૂમિકાને માન્યતા આપી છે. ભારતીય-અમેરિકનોમાં બેકારી દર ઘટીને લગભગ 33 ટકા થયો છે.