સ્વિસ બેન્કોમાં ભારતીયોના જમા ધનમાં થયો આટલા કરોડનો ઘટાડો, ભારતીયોનો હિસ્સો માત્ર 0.06 ટકા

સ્વિત્ઝરલેન્ડની બેન્કોમાં ભારતીય નાગરિકો અને કંપનીઓના જમા રૂપિયાના મામલામાં ભારત ત્રણ ક્રમ ફસકીને 77મા સ્થાને પહોંચી ગયું છે. ગયા વર્ષે ભારત યાદીમાં 74મા સ્થાને હતું. સ્વિત્ઝરલેન્ડની કેન્દ્રીય બેન્કના આંકડામાં જાણકારી જારી કરવામાં આવી છે. જેના મુજબ બ્રિટન પહેલા સ્થાને યથાવત છે.

સ્વિસ નેશનલ બેન્ક(એસએનબી) દ્વારા જારી વાર્ષિક બેન્કિંગ આંકડા પ્રમાણે’ સ્વિસ બેન્કોમાં વિદેશીઓ દ્વારા જમા ધનમાં ભારતીયોનો હિસ્સો માત્ર 0.06 ટકા છે. જ્યારે 2019ના અંત સુધી પહેલા ક્રમાંકે રહેનારા બ્રિટનના નાગરિકોનો કુલ જમા ધનમાં હિસ્સો 27 ટકા છે.

એસએનબીના તાજા આંકડા પ્રમાણે ભારતીય નાગરીકો તથા કંપનીઓની સ્વિસ બેન્કોમાં જમા રકમ 2019માં 5.8 ટકા ઘટીને 89.9 કરોડ સ્વિસ ફ્રેન્ક (6625 કરોડ રૂપિયા) રહી છે.’ જેમાં તમામ પ્રકારના ખાતાનો સમાવેશ થાય છે. તેમજ ભારતમાં સ્વિસ બેન્કોની શાખાઓમાં જમા ધન પણ સામેલ છે.’

આ સત્તાવાર આંકડા સ્વિસ બેન્કો તરફથી એસએનબીને સોંપવામાં આવ્યા હતા. જો કે આંકડામાં ભારતીયોના કાળાનાણાનો સંકેત મળતો નથી કારણ કે એસએનબીના આંકડામાં સ્વિસ બેન્કોમાં કોઈ ત્રીજા દેશના એકમોના નામે રાખવામાં આવતા ધનની જાણકારી સામેલ નથી.

યાદીમાં પહેલા સ્થાને બ્રિટન બાદ બીજા ક્રમાંકે અમેરિકા, ત્રીજા સ્થાને વેસ્ટ ઈન્ડિઝ, ફ્રાન્સ ચોથા, હોંગકોંગ પાંચમા સ્થાને છે. સ્વિસ બેન્કોમાં જમા કુલ ધનમાં શીર્ષ પાંચ દેશોનો હિસ્સો 50 ટકાથી વધારે છે. જ્યારે શીર્ષ 10 દેશનો હિસ્સો 66 ટકા કરતા વધારે છે. યાદીમાં ટોપના 15 દેશનો કુલ ધનમાં ભાગ 76 ટકા અને 30 દેશનો હિસ્સો અંદાજીત 90 ટકા જેટલો થાય છે.

ટોચના 10 દેશમાં જર્મની, લક્ઝમબર્ગ, બહામાસ, સિંગાપુર અને કેમેન આઈલેન્ડ પણ સામેલ છે. જો કે માત્ર 22 એવા દેશ છે. જેનો સ્વિસ બેન્કોમાં ધનમાં ભાગ એક ટકા કે તેનાથી વધારે છે. આ દેશોમાં ચીન, જર્સી, રશિયા, સાઉદી અરબ, ઓસ્ટ્રેલિયા, પનામા, ઈટાલી, સાઈપ્રસ, યુએઈ, નેધરલેન્ડ, જાપાન અને ગર્ન્જી સામેલ છે. બ્રિક્સ (બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા) દેશોની વાત કરવામાં આવે તો ભારત યાદીમાં સૌથી નીચે છે.’ બ્રિક્સ દેશોમાં સૌથી’ ઉપર 20મા ક્રમાંકે રશિયા છે.