કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા આવેલી કેન્દ્રિય ટીમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓના ગોળ-ગોળ જવાબો પછી નારાજ હોવાનું જાણવા મળે છે. કોરોનાની સ્થિતિનો તાગ મેળવવા અમદાવાદ આવેલી કેન્દ્રિય આરોગ્ય વિભાગની ટીમે અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન કેન્દ્રિય ટીમ કોર્પોરેશનના જવાબથી અસંતુષ્ઠ હોવાની વાત જાણવા મળી છે. ત્રણ અધિકારીઓ અલગ-અલગ જવાબ આપતા સંયુક્ત સચિવ લવ અગ્રવાલ નારાજ થયા છે. યોગ્ય જવાબ ન મળતા કોર્પોરેશનના આરોગ્ય અધિકારીની ઝાટકણી કાઢી છે. લવ અગ્રવાલે કોઈ એક ડેટા કોઈ એક વ્યક્તિ આપે તેવી વાત કરી છે. કન્ટેઈનમેન્ટ ઝોન અંગે અધિકારીઓ ગોળ ગોળ વાતો કરતા લવ અગ્રવાલ ભડક્યા હતાં અને કહ્યું હતું કે મારો સમય ન બગાડો.
કેન્દ્રની ટીમે કેન્ટેઈનમેન્ટ ઝોન એવા માનસી સર્કલ પાસે આવેલા સેટેલાઈટ ટાવરની પણ મુલાકાત લીધી હતી. કોર્પોરેશનના અધિકારીઓને સવાલો પૂછ્યા હતાં. કન્ટેઈનમેન્ટ ઝોન અંગે અલગ-અલગ જવાબ આપવામાં આવતા લવ અગ્રવાલ ભડક્યા હતાં અને કહ્યું હતું કે, એક વ્યક્તિ સરખો જવાબ આપો મારો સમય ન બગાડો. તેમણે ધન્વન્તરિ રથમાં ટેસ્ટ અંગે પણ પૂછ્યું હતું. લવ અગ્રવાલે સવાલ કર્યો હતો કે, શું રથ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ઊભો છે? રથમાં કોરોનાના ટેસ્ટ થાય છે?
દેશ અનલોક-1 લાગુ કરવામાં આવ્યા પછી કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમાં પણ મહારાષ્ટ્ર, તેલંગણા, દિલ્હી અને ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વધારે વકરી છે. જેને લઈને કેન્દ્રિય આરોગ્ય વિભાગની ટીમ સૌથી વધુ કોરોનાગ્રસ્ત રાજ્યોની મુલાકાતે જઈ રહી છે. જેના ભાગરૃપે કેન્દ્રના આરોગ્ય વિભાગના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલની આગેવાની હેઠળની ટીમ આજે અમદાવાદ આવી પહોંચી છે. આ કેન્દ્રની આરોગ્ય ટીમે ગોતાના વસંતનગરની મુલાકાત લીધી હતી. વસંતનગરમાં કોરોનાની સ્થિતિ અને ધન્વન્તરિ રથની સમીક્ષા કરી હતી. કેન્દ્રની ટીમ સાથે આરોગ્ય કમિશનર જે.પી. શિવહરે હાજર રહ્યા હતાં.
હયાત હોટલમાં કેન્દ્રિય આરોગ્ય વિભાગની ટીમ આરોગ્ય કમિશનર મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ગુજરાતમાં કોરોનાના કેસો અંગેની પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. બેઠક પછી કન્ટેઈનમેન્ટ ઝોન, કઠવાડા તથા ધન્વન્તરિ રથની મુલાકાત લઈ રહ્યા છે. કેન્દ્રની ટીમ શહેરની હોસ્પિટલની પણ મુલાકાત લે તેવી શક્યતા છે. આજે મુલાકાત પછી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે પણ બેઠક યોજવામાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.