જામનગરના લાલપુરના મેઘનુ ગામના પાટીયે આવેલી ચાની હોટલના ધાબા પરથી પોલીસે સંતાડીને રાખવામાં આવેલી વેચાણ માટેની અંગ્રેજી શરાબની ૫૫ બોટલ કબજે લીધી છે જ્યારે ગણપતિ નગરમાંથી ત્રણ બોટલ પકડાઈ છે અને નાઘેડી પાસેથી એક શખ્સ અડધી બોટલ સાથે મળી આવ્યો છે.
લાલપુર તાલુકાના મેઘનુ ગામના પાટીયા પાસે આવેલી માતૃકૃ૫ા હોટલની છત પર અંગ્રેજી શરાબનો જથ્થો વેચાણ માટે સંતાડીને રાખવામાં આવ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે રાત્રે એકાદ વાગ્યે લાલપુરના પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફે ત્યાં દરોડો પાડતા હોટલની છત પર પ્લાસ્ટિકના બાચકામાં રાખવામાં આવેલી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૫૫ બોટલ મળી આવી હતી.
અંદાજે રૃા. ૨૭,૫૦૦ની કિંમતની બોટલ કબજે લઈ પોલીસે હોટલના સંચાલક જામનગરના વુલનમીલ વિસ્તારમાં ભક્તિનગરમાં રહેતા પ્રવિણસિંહ ઉર્ફે મયુરસિંહ ઘનશ્યામસિંહ ચાવડાની ધરપકડ કરી છે.
જામનગરના ગણપતિ નગર વિસ્તારમાં આવેલા રેલવે કવાટર નજીકના અમરસી માધાભાઈ ધયડા નામના શખ્સના મકાનમાં ગઈરાત્રે સિટી સી ડિવિઝનના પીએસઆઈ આર.એલ. ઓડેદરા તથા સ્ટાફે દરોડો પાડી તલાસી લેતા ત્યાંથી અંગ્રેજી શરાબની ત્રણ બોટલ મળી આવી હતી.
જામનગર તાલુકાના નાઘેડી ગામ પાસેથી ગઈકાલે સાંજે પસાર થતા જીજે-૧૦-સીપી-૪૦૭૨ નંબરના મોટર સાયકલને પેટ્રોલીંગમાં રહેલા પંચકોશી બી ડિવિઝનના સ્ટાફે રોકાવી તલાસી લેતા તેના ચાલક નાઘેડી ગામના મનોજ પાલાભાઈ માડમ ઉર્ફે મુન્ના નામના શખ્સના કબજામાંથી અંગ્રેજી શરાબની અડધી બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ તથા બાઈક કબજે કર્યા છે.