ગુજરાતમાં કોરોનાનાં 580 નવા કેસ, કુલ કેસ 30,158, વધુ 18 મોત સાથે કુલ મોત 1,772

ગુજરાતમાં પાછલા 24 ક્લાક એટલે કે 25 જૂનની સાંજથી 26 જૂનની સાંજ સુધીમાં કોરોનાના 580 નવા કેસ સામે આવ્યા છે અને 18 દર્દીના મોત થયા છે. જ્યારે 532 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 30,158 પોઝિટિવ કેસ નોંધાયા છે અને મરણાંક 1,772એ પહોંચ્યો છે, જ્યારે 22038 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આ પહેલા છેલ્લે 21 એપ્રિલે 18 અને 26 એપ્રિલે 18ના મોત થયા હતા. આમ બે મહિના બાદ 19થી ઓછા દર્દીના મોત થયા છે.

હાલ રાજ્યમાં 6348 એક્ટિવ કેસ છે, જેમાંથી 61 વેન્ટીલેટર પર અને 6287ની હાલત સ્થિર છે. જ્યારે 22038 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે અને 1,772ના મોત થઈ ગયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,51,179 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

જ્યારે જિલ્લા મુજબ નોંધાયેલા કેસો અને મોતની વાત કરીએ તો અમદાવાદમાં 219, સુરતમાં 182, વડોદરામાં 45, ભરૂચમાં 16, ગાંધીનગરમાં 14, રાજકોટમાં 13, આણંદમાં 8, પાટણમાં 8, જામનગરમાં 9, મહેસાણામાં 7, ભાવનગરમાં 8, સુરેન્દ્રનગરમાં 6, નર્મદામાં 6 કેસ, ખેડામાં 5, અમરેલીમાં 5, અન્ય રાજ્યમાં 5, પંચમહાલમાં 4, નવસારીમાં 4, કચ્છમાં 3, જૂનાગઢ,બોટાદ, દાહોદ, છોટાઉદેપુર, મોરબીમાં 2-2,અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠામાં 1-1 કેસ નોંધાયા છે. તેમજ અમદાવાદમાં 8, સુરતમાં 3, અરવલ્લીમાં 2, ભરૂચમાં 2, મહેસાણા સાબરકાંઠા અને પાટણમાં 1-1 દર્દીના મોત થયા છે.