દેશમાં કોરોનાનાં કેસોમાં રેકોર્ડબ્રેક ઉછાળો, કુલ કેસનો આંકડો પાંચ લાખની નજીક, મૃત્યુઆંક 15 હજારને પાર

એક જ દિવસમાં દેશભરમાં કોરોનાનાં કેસોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. પાછલા 24 ક્લાક દરમિયાન દેશમાં કોરોનાનાં 17,296 કેસો નોંધાયા છે. જ્યારે કુલ કેસનો આંકડો પાંચ લાખની નજીક પહોંચી ગયો છે. કુલ કેસ 4,90,401 પર પહોંચી ગયા છે.

આરોગ્ય વિભાગે આપેલા આંકડા અનુસાર 24 ક્લાકમાં વધુ 407 લોકો મોતને ભેટ્યા છે. કુલ મરણાંક 15,301 પર પહોંચી ગયો છે. હાલ 1,89,463 કેસ એક્ટીવ છે અને 2,85,637 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ICMRના જણાવ્યા મુજબ 25 જૂન સુધીમાં 77,76,228 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જૂન 25મીએ 2,12,446 ટેસ્ટ કરાયા છે.

હજુ પણ મહારાષ્ટ્રમાં કોરોનાની મહામારી કાબૂમાં આવવાનું નામ લેતી નથી. મહારાષ્ટ્રમાં 1,47,741 કેસ નોંધાયા છે અને 63,357 એક્ટીવ કેસ છે. અને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 77,453 છે અને કુલ મરણાંક 6,931 પર પહોંચી ગયો છે.

દિલ્હીમાં 73,780 કેસ નોંધાયા છે અને 44,765ને રજા આપવામાં આવી છે. દિલ્હીનો મરણાંક 2,429 પર પહોંચી ગયો છે.

તામીલનાડુમાં 70,977 કેસ નોંધાયા છે અને 39,999ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે મરણાંક 911 પર પહોંચી ગયો છે.