કોરોના કાળમાં ભારતમાં આ રોગના કારણે આટલા વધારાના લોકો મરશે

હાલમાં વિશ્વભરમાં પોતાની હાજરી નોંધાવીને આતંક મચાવનારા કોરોનાવાયરસ રોગચાળાને લીધે ભારતમાં આગામી પાંચ વર્ષમાં ટ્યુબરક્યુલોસિસ(ટીબી)ને લગતા વધારાના ૯પ૦૦૦ મૃત્યુઓ થશે અને આમ થવા પાછળનું કારણ કોરોનાના કારણે આરોગ્ય સેવાઓ ખોરવવા  અને નિદાન તથા સારવારમાં વિલંબના કારણે થશે એવું  એક અભ્યાસમાં જણાવાયું છે.

આ સંબંધે યુરોપિયન રેસ્પિરેટરી જર્નલમાં પ્રગટ થયેલા અભ્યાસમાં જણાયું છે કે કોવિડ-૧૯નો રોગચાળો ટીબી પર વૈશ્વિક બોજ વધારી શકે છે. તેમાં અંદાજ મૂકાયો છે કે જો આરોગ્ય સેવાઓ જાળવી રાખવામાં નહીં આવે અને મજબૂત કરવાામાં નહીં આવે તો ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકામાં ક્ષય રોગથી વધારાના ઓછામાં ઓછા ૧૧૦૦૦૦ મોત થઇ શકે છે.

લંડન સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ ટ્રોપીકલ મેડિસીન્સ તથા લેન્કેસ્ટર યુનિવર્સિટીના સંશોધકોએ કરેલા અભ્યાસ મુજબ આ કોવિડ-૧૯ના રોગચાળા પહેલા પણ વિશ્વમાં ટીબીથી દરરોજ ૪૦૦૦ કરતા વધુ મોત થતા હતા અને હવે આ મૃત્યુઓ નોંધપાત્ર વધી શકે છેે.

જો કે અભ્યાસમાં જણાયું છે કે સોશ્યલ ડિસ્ટન્સિંગના પગલાઓને કારણે ટીબીનો ફેલાવો ઘટશે તો ખરો, પરંતુ આરોગ્ય સેવાઓ ખોરવવાને કારણે તેનાથી મૃત્યુઓ વધી શકે છે. અંદાજ મુજબ આગામી પાંચ વર્ષમાં ક્ષય રોગથી ચીનમાં વધારાના ૬૦૦૦, ભારતમાં વધારાના ૯પ૦૦૦ અને દક્ષિણ આફ્રિકામાં વધારાના ૧૩૦૦૦ મોત થઇ શકે છે.