પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો: અમિતાભ, અક્ષય અને અનુપમ ખેરની જૂની પોસ્ટ ટ્રેન્ડીંગ થઈ, પૂછાયા સવાલો

બોલિવૂડના કેટલાક અભિનેતાઓ ચોક્કસ રાજકીય પાર્ટીઓ સાથે સંકળાયેલા હોય છે. આમાં મહાનાયક અમિતાભ બચ્ચને ભાજપ માટે સોફટ કોર્નર છે તો અક્ષય કુમાર અને અનુપમ ખેર તો ભાજપ માટે કામ કરતા જોવા મળી રહ્યા છે.

જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે આ અભિનેતાઓ દ્વારા કોંગ્રેસ સરકાર પર પેટ્રોલ-ડીઝલના ભાવને લઈ જોક્સ અને રમૂજ દ્વારા પસ્તાળ પાડવામાં આવતી હતી અને છાજિયા લેવામાં આવતા હતા. આજે ભાજપની સરકારના સમયમાં કોંગ્રેસ કરતાં પણ ભાવ બમણાં થઈ ગયા છે પરંતુ આ તમામ અભિનેતાઓનો અવાજ સંભળાઈ રહ્યો નથી. આને લઈને ટવિટર પર ત્રણેય અભિનેતાઓની જૂની પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી અને સવાલો પૂછવામાં આવી રહ્યા છે કે આજે આ અભિનેતાઓ પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે કેમ કશું બોલતા નથી. કેમ ચૂપ થઈ ગયા છે.

2011 અને 2012માં જ્યારે પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો કરાયો હતો ત્યારે આ કલાકારો દ્વારા પરોક્ષ રીતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની ટીકા કરવામાં આવતી હતી અને વિરોધ પણ કરવામાં આવતો હતો. આજે અવિરત 18મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને તમામની બોલતી બંધ છે. ડીઝલનો ભાવ તો પેટ્રોલ કરતાં પણ વધારે થઈ ગયો છે. આજે ટવિટર પર ત્રણેય અભિનેતાની પોસ્ટ ટવિટર પર ટ્રેન્ડ કરી રહી છે.