સુરત જિલ્લાની શાળાએ ફીને લઈ કર્યો એવો નિર્ણય કે વાલીઓ બોલી ઉઠ્યા “આભાર, આભાર”

હાલ કોરોના મહામારી વચ્ચે શાળાઓ દ્વારા ફીને લઈ ને વિવાદો બહાર આવી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાની એક શાળા દ્વારા સરકારના આદેશ નહીં આવે ત્યાં સુધી તમામ ફી માફી કરી ઉત્તમ દાખલો બેસાડ્યો છે.

દેશમાં લોક ડાઉન ખુલ્યા બાદ હજુ લોકોના વ્યાપાર રોજગાર રાબેતા મુજબ શરૂ થયાં નથી અને ત્રણ ચાર મહિના લોકોના વ્યાપાર સાવ ઠપ્પ થયાં છે. ત્યારે હવે શાળાઓ દ્વારા ફી ઉઘરાવવાનો વિવાદ દરેક ઠેકાણે બહાર આવી રહ્યો છે. ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વલણ ગામે આવેલા એક શૈક્ષણિક સંસ્થા દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે.

વલણ ગામે આવેલા પતંજલિ વિદ્યાલય દ્વારા નિર્ણય કરાયો હતો. અને શાળા દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓને રાહત આપી ફી માફીનો નિર્ણય કર્યો છે. જ્યાં સુધી રાજ્ય સરકાર શાળાઓ ખોલવાનો નહીં આદેશ કરે ત્યાં સુધી શાળા કોઈ ફી નહીં ઉઘરાવે તેવો નિર્ણય કરાયો હતો.

પતંજલિ વિદ્યાલયના ટ્રસ્ટી પરસોત્તમ ભાઈ બાબરીયાએ જણાવ્યું કે વલણ ખાતે કાર્યરત પતંજલિ વિદ્યાલય માં હોસ્ટેલ સાથે 190 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને સરકારના નીતિ નિયમ કરતા ઓછી ફી હોવા છતાં લાખો રૂપિયા ફી માફી કરી દેવાઈ છે.

જોકે હાલ વિદ્યાર્થીઓ જ નહીં હોય શાળાને કોઈ આર્થિક ભારણ રહેતું નથી તો ફી શા માટે વસુલવી? એ હેતુ સાથે પતંજલિ વિદ્યાલય દ્વારા કરાયેલો નિર્ણય મોંઘી દાટ ફી ઉઘરાવતી અન્ય શાળાઓને પણ પ્રેરણા આપી રહી છે.