ડિઝલ પેટ્રોલથી મોંઘુ થવાની સાથે ભાજપ નેતાઓના જૂના વીડિયો વાયરલ

કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે દેશની જનતાને મોંઘવારીમાંથી રાહત મળવાની સંભાવના દેખાતી નથી. એકતરફ ઉદ્યોગ ધંધા રોજગારની ગાડી માંડ પાટે ચઢી રહી છે તેવા સમયે સરકાર લોકોને રાહત આપવાને બદલે તેમની મુશ્કેલી વધારતી હોય તેમ ઓઇલ કપનીઓએ બુધવારે ફરી એકવાર પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો કર્યો છે. સતત 18માં દિવસે ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જો કે પેટ્રોલના ભાવ પહેલીવાર વધ્યા નથી. ડિઝલન ભાવ 48 પૈસા વધવાની સાથે તે પહેલીવાર પેટ્રોલ કરતાં મોંઘું થયું છે. આવા સમયે ભાજપના નેતાઓના કેટલાક જૂના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ બન્યા છે.

પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત થઇ રહેલા વધારાને કારણે ભાજપના નેતાઓના જૂના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ બન્યા હતા. યુપીએના શાસન દરમિયાન નરેન્દ્ર મોદી, દિવંગત નેતા અરુણ જેટલી, પ્રકાશ જાવડેકર અને શાહનવાઝ હુસેનના વિરોધી નિવેદનો કરતાં વીડિયોની ક્લિપ વાયરલ બની છે. નરેન્દ્ર મોદી તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા.

આ વીડિયોમાં સ્વ. અરુણ જેટલી કહેતા જોવા મળે છે કે ક્રુડ ઓઇલના ભાવ દુનિયાના બજારોમાં છેલ્લા બે મહિનાથી ઓછા થયા છે તો 7 રૂપિયા વધારવાનું કોઇ કારણ નથી. અડધાથી વધુ ઓઇલના ભાવ તો ટેક્સ રૂપે લેવામાં આવે છે. ફેસબૂક યૂઝર સંજય કુમારે આ વીડિયો શેર કર્યો છે અને સવાલ કર્યો છે કે આ નેતાઓ ક્યાં ચાલ્યા ગયા.

આ ક્લિપમાં ભાજપના નેતા પ્રકાશ જાવડેકર કહી રહ્યા છે કે સરકારે પેટ્રોલના ભાવમા વધારો તો કર્યો પણ તેનો કોઇ અર્થ જણાતો નથી. જે દિવસે સરકારે ભાવ વધાર્યા તે દિવસે જ ઇન્ટરનેશનલ માર્કેટમાં ઓઇલના ભાવ ઓછા થયા છે. અમે સરકારને પડકારીએ છીએ કે સંપૂર્ણપણે રિફાઇન્ડ કરેલું પેટ્રોલ દિલ્હીમાં 34 રૂ. અને મુંબઇમાં 36 રૂ. પ્રતિ લિટરે મળી શકે તો તેના બેવડા ભાવ શા માટે વસુલવામાં આવે છે.