ખિસ્સા ખાલી કરવા થઈ જાઓ તૈયાર: ટ્રાન્સપોર્ટેશન થશે મોંઘું, ભડકે બળશે શાકભાજી, દુઘ, દવા અને અનાજના ભાવ

ડીઝલના ભાવમાં વિક્રમી વૃદ્ધિને કારણે ટ્રકોના ભાડા 15 ટકાથી વધુ વધી શકે છે. આની સીધી અસર દૂધ, શાકભાજી, દવાઓ અને અનાજની કિંમતો પર પડશે.

આ રીતે ખાદ્ય ચીજોમાં ફુગાવો વધી શકે છે. ડીઝલના ભાવમાં વધારાની અસર કૃષિ પાકના ઉત્પાદન ખર્ચ પર પણ પડશે, જેના કારણે કૃષિ પેદાશોના ભાવ પણ વધી શકે છે. આર્થિક મંદીના આ યુગમાં સામાન્ય લોકો માટે ભાવ વધારાના પગલાને વિપક્ષ લોકોની કમર તોડનારું ગણાવી રહ્યું છે. નિષ્ણાંતોએ સરકારને અપીલ કરી છે કે ડીઝલના વધેલા ભાવ પાછા ખેંચીને લોકોને રાહત આપે.

એપ્રિલમાં ખાદ્ય ફુગાવાનો દર 2.55 ટકા હતો, જે માંગમાં સતત ઘટાડાને કારણે મે મહિનામાં ઘટીને 1.13 ટકા થયો છે. પરંતુ છેલ્લા 19 દિવસની વચ્ચે ડીઝલની કિંમતમાં 10.63 રૂપિયાનો વધારો થયો છે અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 8.66 રૂપિયાનો વધારો થયો છે.

આની સીધી અસર ખાદ્ય ફુગાવા પર પડી શકે છે. આ રીતે, સામાન્ય માણસે ડીઝલના વધેલા દરની કિંમત ચૂકવવી પડી શકે છે. દિલ્હી ગુડ્ઝ ટ્રાન્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ રાજેન્દ્ર કપૂરના જણાવ્યા અનુસાર ટ્રક દ્વારા માલના ટ્રાન્સપોર્ટેશનની સૌથી વધુ કિંમત (65) ટકા ડીઝલના કારણે થાય છે.

બાકીનો ખર્ચ ડ્રાઇવરો, ક્લીનર્સ અને અન્યને ભેગા કરીને ગણતરીમાં લેવામાં આવે છે. ડીઝલના ભાવમાં વધારા સાથે ભાડામાં 15 થી 20 ટકાનો વધારો થઈ શકે છે, જે આખરે સામાન્ય માણસને માલના વધેલા ભાવના રૂપમાં ચૂકવવી પડી શકે છે.

આ સમયે દિલ્હીથી મુંબઇ જવા માટે સરેરાશ ભાડુ 30,000 રૂપિયા છે, જે વધેલા ભાવ પછી 36,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. દિલ્હીથી શ્રીનગરનું ભાડુ હાલમાં 25 હજાર રૂપિયા સુધીનું છે, જે વધીને 30 હજાર રૂપિયાથી વધુ થઈ શકે છે. દિલ્હીથી ચેન્નઈ જવાનું ભાડુ આશરે 60 હજાર રૂપિયા છે, જે 70-72 હજાર રૂપિયા સુધી જઈ શકે છે.

આ ઉપરાંત અમદાવાદથી મુંબઈંનું ભાડું 20થી 25 હજાર છે જે વધીને 30થી 35 હજાર કે તેનાં કરતાં પણ વધી શકે છે. સુરતથી મુંબઈનું ભાડું 10થી 15 હજાર થાય છે જેમાં વધારો થાય તો 20થી 25 હજાર ચૂકવવાનો વારો આવી શકે છે.

આર્થિક નિષ્ણાતોનાં જણાવ્યા મુજબ, આ સમયે નોકરીઓ પર સંકટ છે, લોકોની આવકમાં મોટો ઘટાડો છે અને રોગો પરના ખર્ચમાં વધારો છે. આવી સ્થિતિમાં સરકારે લોકોના રોજિંદા ખર્ચમાં ઘટાડો કરવા પગલાં ભરવા જોઈએ. પરંતુ ડીઝલના ભાવમાં વધારો કરીને સરકાર જે રીતે નફો કરી રહી છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.