BTPના ધારાસભ્યો છોટુ વસાવા અને મહેશ વસાવાને એનકાઉન્ટરની દહેશત, સુરક્ષા વધારવા માંગ

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરનારા બીટીપીના બે ધારાસભ્ય પિતા-પુત્ર એટલે કે છોટુ વસાવા અને મહેશ વસાવાને હવે પોતાની જાન પર ખતરો હોવાની આશંકા દેખાઈ રહી છે. બન્ને ધારાસભ્ય પિતા-પુત્રએ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને પત્ર લખી પોતાના એનકાઉન્ટરની આશંકા સાથે સુરક્ષા વધારવાની માંગ કરી છે.

છોટુ વસાવા ઝઘડીયા અને મહેશ વસાવા ડેડીયાપાડામાંથી બીટીપીના ધારાસભ્ય છે. બન્નેએ રાજ્યસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કર્યો હતો. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને લખેલા પત્રમાં વસાવા પિતા-પુત્રએ જણાવ્યું છે કે વિરોધ પક્ષ હોવાના કારણે અમારી જાન જોખમમાં છે. ભૂતકાળમાં બોગસ એનકાઉન્ટર માટે ગુજરાત સરકાર અને ગુજરાત પીસ તથા સ્થાનિક જિલ્લા પોલીસે ષડયંત્ર રચ્યા હતા. આવું ભવિષ્યમાં પણ થવાની સંભાવના છે.

તેમણે પત્રમાં જણાવ્યું છે કે રાજકીય પાર્ટીમાં વિભાજીત પ્રિન્ટ મીડિયા અમારા વિરુદ્વ બદનામીવાળા નિવેદન કરીને તણાવ વધારી રહ્યું છે. અમારા પર જીવલેણ હુમલો થવાની આશંકા જોતાં અમારી સુરક્ષમાં વધારો કરવામાં આવે તે અનિવાર્ય છે.