1,540 સહકારી બેન્કો RBI હેઠળ લેવાનો કેન્દ્રિય કેબિનેટનો મહત્વનો નિર્ણય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રિય કેબિનેટ બેઠકમાં બુધવારે કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં સહકારી બેન્કોને આરબીઆઇના સુપરવિઝન હેઠળ લેવાથી લઇને ઓબીસી કમિશન, પશુધન વિકાસ સહિતની મહત્વની બાબતે નિર્ણયો કરવામાં આવ્યા હતા જેની સાથે જ કુશીનગરમાં કુશીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટને પણ મંજૂરી આપવામાં આવી હતી.

બુધવારની કેબિનેટની બેઠકમાં સૌથી મહત્વનો નિર્ણય સહકારી બેન્કોને લઈને કરવામાં આવ્યો હતો. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રાકશ જાવડેકરે ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સ કરીને આ નિર્ણયની જાણકારી આપી છે. નવા નિર્ણય અંતર્ગત હવે સરકારી બેન્કો આરબીઆઈની દેખરેખમાં આવી જશે. આના કારણે ગ્રાહકોના રૂપિયા સુરક્ષિત રહેશે.

1482 શહરી સહકારી બેન્કો અને 58 બહુ રાજ્ય સહકારી બેન્કો સહિતની સહકારી બેન્કો હ વે ભારતીય રિઝર્વ બેન્કની સુપરવાઇઝરી પાવર્સ હેઠળ લાવવામાં આવી રહી છે. આરબીઆઇના જે પાવર્સ શિડ્યુલ બેન્કો પર લાગુ થાય છે તેવા જ પાવર્સ સહકારી બેન્કો પર પણ લાગુ થશે એવું જણાવાયું હતું. તેના માટે કેબિનેટ એક ખરડો પાસ કરશે, જેને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર માટે મોકલવામાં આવશે. આ તમામ બેન્ક આરબીઆઇના સુપરવિઝન હેઠળ આવશે. તેનાથી રોકાણકારોને વિશ્વાસ મળશે કે તેમના પૈસા સુરક્ષિત છે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, જિતેન્દ્ર સિંહ અને ગિરિરાજ સિંહે કેબિનેટમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપી હતી. મુ્દ્રા લોન હેઠળ શિશુ લોનના વ્યાજમાં 2 ટકાની છૂટ આપવામાં આવશે. તેનાથી 9 કરોડ 37 લાખથી વધુ લાભાર્થીઓને ફાયદો મળશે. મુદ્રા લોન હેઠળ 50 હજાર રૂપિયા સુધીની લોનને શિશુ લોન કહેવામાં આવે છે. આ યોજના 1 જૂનથી શરૂ થશે અને મે 2021 સુધી ચાલુ રહેશે. આ વર્ષે તેના પર 15465 કરોડ રૂપિયા ખર્ચાશે.