મુંબઈના બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સના છઠ્ઠા માળેથી સુરતના જય લખીયાનો મોતનો ભૂસ્કો, ડાયમંડ કંપનીમાં કરતો હતો કામ

20 વર્ષીય યુવાને મુંબઈના બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સમાંથી મોતનો ભૂસ્કો માર્યો હતો. બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સની ડાયમંડ માર્કેટના છઠ્ઠા માળેથી યુવાને પડતું મૂકતા માર્કેટ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

મોતનો ભૂસ્કો મારનાર યુવાનનું નામ જય લખીયા હોવાનું જાણવા મળ્યું છે. લોકડાઉન દરમિયાન તે ઘરેથી કામ કરી રહ્યો હતો. તે મંગળવારે સવારે જ સુરતથી નોકરી માટે મુંબઈ આવ્યો હતો. બાન્દ્રા-કુર્લા પોલીસે હાલમાં જય લખીયાના મોતને શંકાસ્પદ આત્મહત્યા તરીકે નોંધ કરી છે. આ ઘટના મંગળવારે સવારે 6 વાગ્યાની આસપાસ બની હતી.

પોલીસના જણાવ્યા મુજબ જય લખીયાએ બિલ્ડીંગના છઠ્ઠા માળે આવેલી ઓફીસની બારીમાં મોતનો કૂદકો માર્યો હતો. પોલીસ અને એમ્બ્યુલન્સને તાત્કાલિક બોલાવવામાં આવી હતી અને તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તબીબોએ તેને મૃત ઘોષિત કર્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ જય લખીયાનો પરિવાર સુરતમાં રહે છે અને ઘટના અંગે તેમને જાણ કરવાં આવી છે. આજે સવારે જયના પરિવારજનો મુંબઈ પહોંચ્યા હતા.જ્યારથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યો હતો ત્યારથી જય પોતાના ઘરેથી ઓફીસનું કામ કરતો હતો. ડાયમંડ ઓફિસમાં લોબીમાં યુરિનલ હતું અને યુરિનલની બારીમાંથી જય લખીયાએ છલાંગ લગાવી દીધી હતી. ડાયમંડ કંપનીમાં એસોર્ટીંગનું કામ કરતો હતો અને કારીગર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

પોલીસે જણાવ્યું કે આત્મહત્યા કરતાં પહેલા જય લખીયા પાસેથી કે ઓફીસમાંથી કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી. પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવશે.