સુનિલ ગાવસ્કરે વિવિયન રિચાર્ડસ સાથે કરી વિરાટ કોહલીની તુલના

ભારતીય ટીમના માજી કેપ્ટન અને મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરે હાલના ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની તુલના વિવિયન રિચાર્ડસ સાથે કરીને કહ્યું છે કે એ કારણે જ વિરાટને નંબર વન બેટ્સમેન ગણવામાં આવે છે, કારણકે તે અદ્દલ રિચાર્ડસની સ્ટાઇલમાં જ બેટિંગ કરે છે.

25 જૂને ભારતના ઐતિહાસિક 1983ના વર્લ્ડકપ વિજયની વર્ષગાંઠ છે અને 37 વર્ષ પહેલા 25 જૂને ભારતીય ટીમે મજબૂત વેસ્ટઇન્ડિઝની ટીમને હરાવીને લોર્ડસ પર ઈતિહાસ રચ્યો હતો, તેની સાથે જ જોડાયેલા એક કાર્યક્રમમાં સત્તાવાર સ્પોન્સર સાથેની વાતચીતમાં ગાવસ્કરે કહ્યું હતું કે વિવિયન રિચાર્ડસ જ્યારે ક્રિઝ પર હોય ત્યારે તેને એટકાવવો સરળ નહોતો. તેના જેવી જ બેટિંગ આજકાલ કોહલી કરે છે.

કોહલીની બેટીંગનું આકલન કરતાં ગાવસ્કરે કહ્યું હતું કે જો તમે વિરાટને બેટિંગ કરતાં જુઓ તો તે એક જ બોલને ટોપ હેન્ડનો ઉપયોગ કરીને એકસ્ટ્રા કવર પર બાઉન્ડરી ફટકારી શકે છે અને એ જ પ્રકારના બોલને બોટમ હેન્ડ વડે મિડ ઓન અથવા મિડ વિકેટ પર ચોગ્ગામાં ફેરવી શકે છે, એ જ કારણ છે કે તેને નંબર વન બેટ્સમેન ગણવો પડે. કારણકે તે પણ રિચાર્ડસની જેમ બેટિંગ કરે છે. ગાવસ્કરે સાથે જ કહ્યું હતું કે આ પહેલા ગુંડપ્પા વિશ્વનાથ, વીવીએસ લક્ષ્મણ પણ આ પ્રકારની જ બેટિંગ કરતાં હતા.