અનલોક-2ની તૈયારી: પહેલી જુલાઈથી રાત્રી કર્ફ્યુમાં રાહતના સંકેત, દુકાનોને 10 વાગ્યા સુધી ચાલુ રાખવા વિચારણા

જૂન મહિનાની અંતિમ તારીખે અનલોક1ની અવધિ સમાપ્ત થઈ રહી છે અને અનલોક-2ની શરૂઆત થવા જઈ રહી છે. આ માટે ગુજરાત સરકારે અનલોક-2 માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.હાલના રાત્રિના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધીના કર્ફ્યુને લંબાવીને 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કરવામાં આવે, આ ઉપરાંત હાલ દુકાન-ધંધા બંધ કરવાનો સમય સાંજે 7 વાગ્યાથી વધારી 10 વાગ્યાનો કરવામાં આવે તેવી શક્યતા છે. તેમજ તેની સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ 70 ટકા શરૂ કરવા અને મોડી સાંજ સુધી ચાલુ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે.

રાજ્ય સરકારે રાતના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી ગુડ્ઝ ટ્રકો, વાહનો કે પેસેન્જરની અવરજવર કરતી બસોને તેમજ બસ,ફ્લાઈટ કે ટ્રેનની મુસાફરી કરીને આવેલા વ્યક્તિઓને ન રોકવા આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાતના 9થી સવારના 5 વાગ્યા સુધી વ્યક્તિગત અવરજવર પર પ્રતિબંધ છે, પરંતુ વાહનો અને વ્યક્તિઓને અટકાવવામાં આવતા હોવાનું ગૃહમંત્રાલયના ધ્યાને આવતા આ આદેશ કર્યો છે.

ગુજરાતમાં અનલોક-1 માં વ્યાપક છૂટછાટ અપાઈ છે, તેમાં આગળ વધીને તા.1 જુલાઈથી અનલોક-2નો પ્રારંભ થશે અને તેમાં હવે છૂટછાટોને આગળ વધારવાની દિશામાં આગળ વધવા સરકાર વિચારણા કરી રહી છે. હાલ જે રીતે સાંજે 7 વાગ્યે વ્યાપાર-ધંધા બંધ કરી દેવાની ફરજ પડે છે અને રાત્રિના નવ વાગ્યાથી કર્ફ્યુ લાદવામાં આવે છે. તે સમયમાં ફેરફાર કરીને મોડી રાતના 10 સુધી વ્યાપાર-ધંધા ચાલુ રાખવામાં આવી શકે છે.

રાજ્ય સરકાર દ્વારા આ અંગે વિવિધ વેપારી સંગઠનો, સંસ્થાઓ સહિત ચૂંટાયેલા આગેવાનો પાસેથી ફીડબેક મેળવવામાં આવી રહ્યા છે, જેમાં રાત્રના 9 વાગ્યા બાદ લોકોને બહાર આવવા જવામાં મુશ્કેલી પડી રહી છે, તે રાતે 12 વાગ્યા સુધી છૂટ આપવા અને સાંજે 7 વાગ્યા બાદ પણ વેપાર-ધંધા ખાસ કરીને રેસ્ટોરાં-હોટલ-બજારોને 10 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની ભલામણો અને રજૂઆતો કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર સોશિયલ ડીસ્ટન્સ તથા માસ્કના પાલનના કડક આદેશ સાથે હવે ‘હજુ થોડા દિવસ સુધી રાત્રિ કર્ફ્યુ ચાલુ રાખવામાં આવે તેવી શક્યતા છે. જેનાથી મુસાફરોને રાહત મળે તથા ખાનગી ટ્રાવેલ બીઝનેસને પણ વેગ મળશે.