ઓનલાઈન શિક્ષણથી બાળકોને થઈ રહ્યું છે નુકશાન, સમયમાં કાપ મૂકવા હિલચાલ

દેશભરમાં કોવિડ-19ની મહામારીને પગલે લાંબુ લોકડાઉન ચાલ્યુ. શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર ખોરવાઈ ગયુ છે. તો યુનિવર્સિટીમાં હજુ સુધી પરીક્ષા લઈ શકાય નથી. ગુજરાતમાં તો શાળા અને સ્નાતક કક્ષાએ કેટલાક સેમેસ્ટરમાં માસ પ્રમોશન આપવામાં આવ્યુ છે ત્યારે ખાનગી શાળાઓના ધંધાદારી કહેવાતા શિક્ષણકારો હવે ઓનલાઈન શિક્ષણના નામે ફી ઉઘરાવવાનું ચાલુ જ રાખતા વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે.

નર્સરીથી ધો.9ના વિદ્યાર્થીઓ ઉપર ઓનલાઈન શિક્ષણ નામે અત્યાચાર થતો હોવાની વ્યાપક બૂમ ઉઠતા અને વાલીઓમાં ભભૂકતો રોષ પારખી ગયેલા કેટલાક સમજુ ખાનગી શાળા સંચાલકો હવે ઓનલાઈન શિક્ષણમાં હવે કાપ મૂકવાનું ગંભીરતાથી વિચારણા હાથ ધરી છે. ઓનલાઈન શિક્ષણ હવે માત્ર ફી ઉઘરાવવાનું સાધન બની ગયાનું વાલીઓ માની રહ્યા છે.

મોબાઈલ ટેબ્લેટ કોમ્યુપ્ટર ઉપર ઓનલાઈન શિક્ષણથી દરરોજ ત્રણથી વધુ કલાક અભ્યાસથી આંખ તેમજ અન્ય અવયવોને નુકશાન થતુ હોવાની ફરીયાદ ઉઠી છે. ઓનલાઈન શિક્ષણ બંધ કરવા વાલી મંડળો તેમજ અનેક સંસ્થાઓએ માંગ કરતુ આવેદનપત્ર પાઠવી સરકારમાં રજૂઆત કરી છે. પરંતુ હજુ સુધી કોઈ સાનૂ કુળ પ્રતિસાદ મળ્યો નથી. ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થીઓમાં ફાયદો જણાતો ન હોવાનું ચિત્ર ઉપસ્યુ છે. ઓનલાઈન શિક્ષણ સામે પ્રથમથી જ કેટલાક શિક્ષણજીવ ગણાતા શાળા સંચાલકોએ નારાજગી વ્યકત કરી હતી.

ઓછી ફીમાં શ્રેષ્ઠ પરીણામ આપતી કેટલીક શાળાઓએ તો હજુ પ્રાથમિક કક્ષાએ ઓનલાઈન શિક્ષણ હજુ ચાલુ જ કર્યુ નથી. જયારે વાલીઓનો રોષ જોઈ અને સતત રજૂઆતને પગલે કેટલાક ખાનગી શાળાઓના સંચાલકો પણ હવે ઓનલાઈન શિક્ષણના સમયમાં કાપ મૂકવા નિર્ણય કરી રહ્યા છે. કેટલીક ખાનગી શાળાઓના સમજુ સંચાલકોએ નર્સરીથી ધો.1 થી 7 સુધીમાં અઠવાડીયામાં બે દિવસ તે પણ એક જ કલાક ઓનલાઈન શિક્ષણ આપવા વિચારી રહ્યા છે. આ સમયમાં ભુલકાઓને જ્ઞાન સાથે ગમ્મત થાય અને ઉત્સાહમાં વધારો થાય તેવી રીતે શિક્ષણ આપવા આયોજન કરી રહ્યા છે.

ખાનગી શાળાઓના ઓનલાઈન શિક્ષણથી વાલીઓ મોબાઈલ તેમજ ટેબલેટ પાછળ પણ મોટી રકમ ખર્ચી રહ્યા છે. ઓનલાઈન શિક્ષણ પ્રશ્ને ટૂંક સમયમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય તેવી શકયતા પ્રવર્તે છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ખાનગી શાળાઓના સંચાલકો આ વર્ષે ફી વધારો કર્યો નથી. પરંતુ ફી પ્રશ્ને કોઈ ચોખવટ ન થતા ભારે ગેરસમજ પ્રવર્તી રહી છે.