છત્રી અને રેઈનકોટ લઈને થઈ જાઓ તૈયાર, આવતા અઠવાડિયે આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે

રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર આજે ઝૂમ ક્લાઉડ સોફ્ટવેરના માધ્યમથી ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેપ્યુટી કલેકટર ટી જે વ્યાસ દ્રારા તમામ ઓનલાઈન અધિકારીઓને આવકારી વેધર વોચની મીટીંગની શરૂઆત કરવામાં આવી હતી. રાહત કમિશનર રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ પટેલે વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યુ કે, રાજ્યમાં 22-6-2020 સુધીમાં 111.31 મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ 831 મીમીની સરખામણીએ 11.46 ટકા છે. રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આજ દિન સુધી વરસાદ નોંધાયો નથી. જ્યારે તે સિવાયના અન્ય તમામ તાલુકામાં વરસાદ એક મીમીથી લઈ 343 મીમી સુધી નોંધાયો છે.

IMD દ્વારા પી.પી.ટી રજુ કરી આગામી અઠવાડીયામાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર વિસ્તાર અને કચ્છનાં કેટલાક વિસ્તારમાં સામાન્યતઃ હળવાથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચાલુ વર્ષે અંદાજીત 28.44 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર 22-6-2020 સુધીમાં થયુ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન 14.99 લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 33.50 ટકા વાવેતર થયુ છે.

આ ઉપરાંત સિંચાઈ વિભાગ, આર & બી વિભાગ, ઊર્જા સહિતના વિવિધ વિભાગ, એન.ડી.આર.એફ તેમજ એસ.ડી.આર.એફ દ્વારા પૂર્વ તૈયારી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. તે ઉપરાંત તમામને આગામી વરસાદની સીઝનમાં સંભવિત આફતને પહોંચી વળવા સાવચેત રહેવા રાહત કમિશનર દ્વારા સુચના આપવામાં આવી હતી.