મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત પર ભાર મુકતા સરકાર દ્વારા ઉઠાવાયું મહત્વનું પગલું

ચીન સાથેના સરહદ વિવાદ પછી કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક મોરચે ચીનને મોટો ફટકો મારવા એક વ્યુહરચના અપનાવવામાં આવી છે. મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત પર ભાર મુકીને કેન્દ્ર સરકારે ઓનલાઇન સેલર્સ પાસે પ્રોડક્ટ પર ઉત્પાદક દેશનું નામ લખવાનો નિર્દેશ કર્યો છે. તેનાથી લોકોને ચીનની પ્રોડક્ટના બોયકોટ કરવામાં સરળતા રહેશે. અહેવાલો અનુસાર સરકારી ઇ માર્કેટ પ્લેસ પર પ્રોડક્ટને રજીસ્ટર્ડ કરવા માટે કન્ટ્રી ઓરિજન જણાવવું અનિવાર્ય કરાયું છે. માહિતી નહી આપવામાં આવે તો પ્રોડક્ટને સરકારી ઇ-માર્કેટ પ્લેસ પરથી હટાવી દેવાશે.

સરકારી ઇ માર્કેટ પ્લેસ પર સામાન વેચતા પહેલા કયા દેશની પ્રોડક્ટ છે તે કહેવું પડશે

વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર જે વિક્રેતાઓએ પોતાની પ્રોડક્ટ પહેલાથી અપલોડ કરી છે તેમને પણ વારંવાર ચેતવણીની સાથે એ યાદ અપાવાઇ રહ્યું છે કે પ્રોડક્ટની ઓરિજિન કન્ટ્રી અપડેટ કરે નહીં તો તેમની પ્રોડક્ટ ઇ-કોમર્સ પ્લેટફોર્મ પરથી હટાવી દેવાશે. નિવેદનમાં કહેવાયું છે કે ઇ કોમર્સ પ્લેટફોર્મ પર નવા ફિચર પણ જોડવામાં આવ્યા છે. હવે ગ્રાહકો મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ પણ ખરીદી શકે છે. આ ઉપરાંત દરેક પ્રોડક્ટમાં લોકલ કન્ટેન્ટ અર્થાત ઘરઆંગણેના મટિરિયલની ટકાવારી બાબતે પણ માહિતી આપવી પડશે.

સરકારી ઇ-માર્કેટ પ્લેસ પોર્ટલ તમામ સરકારી વિભાગો અને મંત્રાલયો દ્વારા સામાન અને સેવાઓની ઓનલાઇન ખરીદી માટે 2016માં શરૂ કરવામાં આવ્યું હતું. સરકારી વિભાગ, એજન્સીઓ અને સરકારી યૂનિટ્સ આ પોર્ટલ દ્વારા આદિવાસીઓ દ્વારા બનાવાયેલું પેન્ટિંગ અને હાથ વડે બનતી વસ્તુઓ ખરીદી શકે છે. આ પોર્ટલ પર આવી લગભગ 4 હજાર આઇટમ અપલોડ કરવામાં આવી છે.