બાબા રામદેવે ખાંસી-શરદીની દવાના લાઇસન્સ પર બનાવી કોરોનાની દવા : પતંજલિ ને નોટિસ ફટકારાઇ

કોરોનાવાયરસ માટે પતંજલિ દ્વારા નિર્મિત કોરોનિલ દવા લોન્ચ થતાંની સાથે વિવાદમાં ઘેરાઇ ગઇ છે. મંગળવારે સાંજે સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ દ્વારા દવા લોન્ચ કરવામાં આવ્યા પછી ભારત સરકરાના આયુષ મંત્રાલયે દવાના પ્રચાર પ્રસાર પર રોક લગાવી હતી અને હવે બુધવારે બાબા રામદેવની દવાને એક વધુ ફટકો લાગ્યો છે. આ વખતે ઉત્તરાખંડની આયુર્વેદ ડ્રગ્સ લાઇસન્સ ઓથોરિટીએ બાબાની દવા સામે સવાલ ઉઠાવ્યા છે.

ઓથોરિટીના ઉપનિદેશક યતેન્દ્ર સિંહ રાવતે જણાવ્યું હતું કે બાબા રામદેવની કંપની પંતજલિને કોરોનાની દવા માટે નહીં પણ ઇમ્યુનિટી બૂસ્ટર અને ખાંસી-શરદીની દવા માટે લાઇસન્સ આપવામાં આવ્યું હતું. રાવતે જણાવ્યું હતું કે તેમને મીડિયાના માધ્યમથી એ જાણ થઇ છે કે બાબા રામદેવની કંપની પતંજલિ દ્વારા કોરોનાની કોઇ દવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જો કે તેમને ઇમ્યુનિટી વધારનારી અને શરદી-ખાંસીની દવા માટે લાયસન્સ આપવામાં આવ્યું હતું.

રાવતે કહ્યુ્ં હતું કે કેન્દ્ર સરકારના નિર્દેશ અનુસાર કોઇ પણ કોરોનાના નામે દવા બનાવીને તેનો પ્રચાર-પ્રસાર કરી શકે નહીં. આયુષ મંત્રાલય દ્વારા કાયદેસરતા મળ્યા પછી જ એવું કરવાની મંજૂરી મળી શકે. તેમણે કહ્યું હતું તે હાલમાં તો વિભાગ દ્વારા પતંજલિને નોટિસ આપવામાં આવીને તેમની પાસે જવાબ માગવામાં આવ્યો છે.

એ ઉલ્લેખનીય છે કે મંગળવારે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ દ્વારા પતંજલિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને કોરોનાની સારવાર જડીબૂટીથી કરવામાં આવશે. હર્બલ દવા મારફત પતંજલિએ દાવો કર્યો છે કે આનાથી કોરોનાનો સારવાર કરવામાં આવશે.

બાબા રામદેવે કહ્યું કે કોરોનાની સંપૂર્ણ ક્લિનિકલ ટ્રાયલમાં ખરી ઉતરેલી દવા બનાવી લેવામાં આવી છે. સમગ્ર દેશ દવાની પ્રતિક્ષામાં હતો. હાલ એલિપોથ મેડીકલ સિસ્ટમને આખી દુનિયા ફોલો કરી છે. દવાનું નામ કોરોનિલ રાખવામાં આવ્યું છે.

બાબા રામદેવે કહ્યું કે દવા બનાવતી વખતે ક્લિનિકલ કન્ટ્રોલ સ્ટડી કરવામાં આવી છે. આ સ્ટડીમાં 280 લોકોને સામેલ કરાયા. દર્દીઓ પર ટ્રાયલ કરવામાં આવી. કોરોના દર્દીઓ પર દવાનો ઉપયોગ કરાયો અને એક પણ દર્દીનું મોત થયું ન હતું.

તેમણે કહ્યું કે ક્લિનિકલ ટ્રાયલમાં માત્ર દિવસમાં જ દર્દીઓ સાજા થઈ ગયા છે. 69 ટકા રોગીઓ સાજા થઈ ગયા અને સાત દિવસમાં 100 ટકા રોગીઓ સાજા થઈ ગયા હતા. કોરોનાની આયુર્વેદિક દવા બનાવી લઈને પતંજલિએ ઈતિહાલ સર્જયો છે.