પતંજલિએ કોરોનિલના નામે કોરોનાની સારવાર માટે દવા બનાવવાનો દાવો કર્યો છે, પરંતુ આયુષ મંત્રાલયે બાબા રામદેવની આ દવા પર તલવાર લટકાવી દીધી છે. આયુષ મંત્રાલયે હાલમાં દવાની જાહેરાત પર પ્રતિબંધ મૂક્યો છે અને પતંજલિ પાસેથી માહિતી માંગી છે. જોકે, પતંજલિ વતી કહેવામાં આવ્યું છે કે, મંત્રાલયને માહિતી આપવામાં આવી છે.
આ બાબતે આયુષના કેન્દ્રીય પ્રધાન શ્રીપદ નાયકે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે બાબા રામદેવે કોઈ પણ મંત્રાલયની પરવાનગી લીધા વિના મીડિયામાં તેમની દવા જાહેર નહીં કરવી જોઈએ. અમે તેમની પાસેથી જવાબો માંગ્યા છે અને સમગ્ર મામલો ટાસ્ક ફોર્સને મોકલી આપ્યો છે. બાબા રામદેવ પાસેથી પૂછેલા સવાલોનો તેમણે જવાબ આપ્યો છે.
આયુષ પ્રધાન શ્રીપદ નાયકે કહ્યું કે પતંજલિના જવાબની ટાસ્ક ફોર્સ સમીક્ષા કરશે અને ચકાસશે કે તેમણે કયા ફોર્મ્યુલાને અપનાવ્યો છે. તે પછી તેમને મંજૂરી આપવામાં આવશે, પરંતુ પ્રોટોકોલ મુજબ, દવા બજારમાં લાવતાં પહેલાં પંતજલિને આયુષ મંત્રાલયની મંજૂરી લેવી જોઈતી હતી.
આયુષ પ્રધાન શ્રીપદ નાયકે કહ્યું કે પરવાનગી ન લીધી તે જ મુખ્ય વાંધો છે. જો કોઈ દવાઓ લઈને બજારમાં આવે છે અને તે બનાવે છે, તો તે ખુશીની વાત છે. તેના પર કોઈને વાંધો નથી. આયુષ મંત્રાલય તેની દવાઓ પર પણ કામ કરી રહ્યું છે અને જુલાઈ મહિના સુધીમાં આયુષ મંત્રાલય પણ કોરોના વાયરસની દવા લઈને આવી શકે છે.
નોંધપાત્ર વાત એ છે કે ગઈકાલે બાબા રામદેવે દાવો કર્યો હતો કે પતંજલિએ કોરોના માટે દવા બનાવી છે, જેને કોરોનિલ નામ આપવામાં આવ્યું છે. બાબા રામદેવના જણાવ્યા અનુસાર, બે ડ્રગ ટ્રાયલ કરવામાં આવી છે. પ્રથમ ક્લિનિકલ કંટ્રોલ સ્ટડી અને બીજો ક્લિનિકલ કંટ્રોલ ટ્રાયલ.
ક્લિનિકલ કંટ્રોલ સ્ટડીમાં દેશના વિવિધ શહેરોના 280 દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં 100 ટકા દર્દીઓ સાજા થયા હતા. એક પણ મૃત્યુ કેસ નોંધાયો નથી. ક્લિનિકલ કંટ્રોલ ટ્રાયલમાં, દર્દીઓમાંથી 69 ટકા દર્દીઓ ત્રણ દિવસની અંદર સાજા થયા, એટલે કે તેમના રિપોર્ટ પોઝીટીવમાંથી નેગેટીવ થયા. સાત દિવસમાં, 100 ટકા દર્દીઓ સ્વસ્થ થઈ ગયા.