અમેરિકાના ન્યૂજર્સીમાં પટેલ પરિવારની કમકમાટીપૂર્ણ ઘટના બહાર આવી છે. દાદા, પૌત્રી અને વહુની લાશો ઘરના સ્વીમીંગ પુલમાંથી મળી આવી છે.
મૂળ ગુજરાતના અને હાલ અમેરિકામાં રહેતા 62 વર્ષીય ભરત પટેલ, તેમની 33 વર્ષીય વહુ નિશા પટેલ અને આઠ વર્ષીય પૌત્રીની લાશો તેમના ઘરના સ્વીમીંગ પુલમાંથી મળી આવી છે.
ઈસ્ટ બ્રુન્સવિક પોલીસના જણાવ્યા પ્રમાણે 911 પર ઈમરજન્સી કોલ કરવામાં આવ્યો હતો. કોલ મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટના સોમવારે બપોરે બની હતી. પાડોશીએ ચીસો સાંભળતા જ પોલીસને જાણ કરી હતી.
પોલીસ લેફ્ટનન્ટ ફ્રેન્ક સુટરે જણાવ્યું કે ઘટના સ્થળે પહોંચીને પોલીસે ત્રણેયનું સીપીઆર(કાર્ડિયોપલ્મોનરી રેસ્ક્યુશન) કર્યું હતું. પરંતુ ત્રણેયને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મેડીકલ તપાસમાં ત્રણેયના મોત ડૂબી જવાના કારણે થઈ હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે.
પાડોશીઓના જણાવ્યા મુજબ પટેલ પરિવાર તાજેતરમાં જ ન્યૂજર્સીના આ વિસ્તારમાં રહેવા માટે આવ્યો હતો. પોલીસ વડા ફ્રેન્કે કહ્યું આ એક અત્યંત દુખદ ઘટના છે.
મંગળવારે મિડલસેક્સ કાઉન્ટી રિજનલ મેડિકલ એક્ઝામિનર ઓફિસે જણાવ્યું હતું કે ત્રણેયના મોત આકસ્મિક રીતે ડૂબી જવાના લીધે થયા છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.