નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ કોરોના પોઝિટિવ

વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે મંગળવારે જાહેર કર્યું હતું કે તે કોવિડ-19 પોઝિટિવ થયો છે. જોકોવિચનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવતાની સાથે બલ્ગેરિયાના ગ્રિગોર દિમિત્રોવ, ક્રોએશિયાના બોર્ના કોરિક એ વિક્ટર ટ્રોઇકીની યાદીમાં સમાવેશ થયો છે. આ તમામ ટેનિસ ખેલાડી કોરોના પોઝિટિવ છે. વિકટર ટ્રાઇકીની પત્નીનો પણ કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

આ તમામ જોકોવિચ દ્વારા આયોજિત એડ્રિયા ટૂર પ્રદર્શન ટેનિસ ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહ્યા હતા. જોકોવિચના સ્ટાફ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર નોવાક જોકોવિચનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેનામાં કોઇ લક્ષણ જણાતા નહોતા. આ પહેલા ટ્રોઇકીએ કહ્યું હતું કે મારી પત્નીનો શુક્રવારે અને મારો રવિવારે ટેસ્ટ કરાયો હતો. અમારા બંનેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે મારી પુત્રીનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આ ટૂર્નામેન્ટમાં જોકોવિચ, એલેક્ઝાન્ડર ઝ્વેરેવ અને ડોમિનિક થિએમે પણ ભાગ લીધો હતો.

આ પહેલા બોર્ના કોરિકે સોશિયલ મીડિયા પર પોતાને કોરોના થયો હોવાની માહિતી આપી હતી, તેણે કહ્યું હતું કે હું તમને બધાને જણાવવા માગુ છું કે મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હું એ સુનિશ્ચિત કરવા માગુ છું કે છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં જેઓ આવ્યા છે તેઓ પોતાની તપાસ કરાવી લે. તેણે કહ્યું હતું કે મારા કારણે કોઇને નુકસાન થયું હોય તો હું તેના માટે ખેદ અનુભવું છુ.