ગુજરાતીઓની છાતી ગજ ગજ ફૂલે એવા ન્યૂઝ : ‘હેલ્લારો’ની કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓફિશિયલ એન્ટ્રી

નેશનલ ઍવોર્ડની જ્યુરીએ ભારતમાં બનતી તમામ ભાષાઓની લગભગ 400 જેટલી ફિલ્મોની એન્ટ્રીમાંથી હેલ્લારોને બેસ્ટ ફિલ્મ જાહેર કરી ત્યારે ગુજરાત આખું હિલોળે ચઢ્યું હતું. હવે આજે પણ તમામ ગુજરાતીઓની છાતી ગજ ગજ ફૂલે એવા સમાચાર આવ્યા છે. કેન્દ્રિય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે બુધવાર, તારીખ 22 જૂને જાહેર કર્યું કે આ વરસે ફ્રાન્સમાં યોજાનાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતની અધિકૃત ફિલ્મ તરીકે નેશનલ અવૉર્ડ ગુજરાતી ફિલ્મ હેલ્લારો અને મરાઠી માઈ ઘાતની પસંદગી કરવામાં આવી છે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે ફિલ્મોની જાહેરાત કરવાની સાથે પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે ભારતમાં શૂટિંગ કરવા માંગતા આંતરરાષ્ટ્રી પ્રોડક્શન હાઉસને તાત્કાલિક પરવાનગીઓ મળી રહે એ માટે ફિલ્મ ફેસિલિટેશન સેન્ટર શરૂ કરવામાં આવશે. ઉપરાંત તેમણે આ વરસે 20 નવેમ્બરથી ગોવા ખાતે યોજનારા 51મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાનું પોસ્ટર અને બુકલેટ પણ લૉન્ચ કર્યા હતા.

હેલ્લારો રિલીઝ થયા બાદ ફિલ્મી ઍક્શનમાં પ્રસિદ્ધ થયેલા લેખનો અંશ

અભિષેક શાહ અને પ્રતિક ગુપ્તાએ સંયુક્ત રીતે Develop કરેલી વાર્તા અને વાર્તાને અનુરૂપ સૌમ્ય જોષીનાં ગીતો, ગીતને અનુરૂપ મેહુલ સુરતીની સ્વરરચના. ગુજરાતી ચિત્રપટમાં એક નવી જ કેડી કંડારી રહેલી ફિલ્મ “હેલ્લારો” માટે, Captain of The Ship અભિષેક શાહ માટે Three Cheeeeeeers..

કચ્છના સુક્કા ભઠ્ઠ રણમાં કલાત્મક કપડાં, સેટ, પ્રોપર્ટીથી આંખને ઠંડક આપનારી આ ફિલ્મનું સૌથી મોટું જમા પાસું છે ફિલ્મનું કેમેરા વર્ક… ક્યા બાત હે… એને માટે અભિનંદન આપવા જ પડે… ત્રિભોવન બાબુ

ફિલ્મનું બીજું જમા પાસું છે ફિલ્મની કૉરિયોગ્રાફી… “હમ દિલ દે ચુકે સનમ”ના ઢોલી તારો ઢોલમાં સલમાન/ઐશ્વર્યા માટે અને “રામલીલા”ના નગાડા ગીતમાં દીપિકા માટે અદભુત કૉરિયોગ્રાફી કરનાર સમીર અને અર્શ તન્નાનું નૃત્ય દિગ્દર્શન પણ આ ફિલ્મમાં ચાર ચાંદ લગાવે છે.

ફિલ્મનુ ત્રીજું જમા પાસું છે એના કૉસ્ચ્યુમ. કચ્છની ધરતીને પણ ગર્વ થાય તે પ્રકારે ડિઝાઇન કરવામાં આવ્યા છે.

પ્રાદેશિક ભાષાઓમાં શ્રેષ્ઠ ફિલ્મ સહિત ૧૩ અભિનેત્રીઓ માટે ખાસ રાષ્ટ્રીય સન્માન મેળવેલી અને કચ્છના બેકડ્રોપ પર તૈયાર થયેલી આયુષ પટેલ, અભિષેક શાહ, મીત જાની તથા પ્રતીક ગુપ્તા નિર્મિત ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”માં નિલમ પંચાલ, શ્રદ્ધા ડાંગર, તેજલ પંચાસરા, તર્જની બધલા, ડેનીશા ગુમરા, જાગૃતી ઠાકોર, કૌશાબી ભટ્ટ, સચી જોષી, રિદ્ધિ યાદવ, એક્તા બચવાની, બ્રિન્દા ત્રિવેદી, કામિની પંચાલ, જયેશ મોરે, આર્જવ ત્રિવેદી, મૌલિક જગદીશ નાયક, શૈલેષ પ્રજાપતિ, આકાશ ઝાલા, રાજન ઠકકર, કિશન ગઢવી, કમલેશ પરમાર, નિલેશ પરમાર, કુલદીપ શુક્લ જેવા અનેક દિગ્ગજોએ અભિનય કર્યો છે.

ચીલા ચાલુ વિષયોથી હટકે એક નવા જ વિષય સાથે ફિલ્મ બનાવીને દિગ્દર્શક અભિષેક શાહે ગુજરાતી ફિલ્મ સારી નથી બનતી તેવું મહેણું ભાંગ્યું છે.