ગુજરાત સરકારે જાહેર કરેલી આત્મનિર્ભર ગુજરાત યોજનામાં માસિક 200 યુનિટથી ઓછા વીજબીલમાં 100 યુનિટ તથા એક મહિનાનો વીજ ફીક્સ ચાર્જ માફ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પણ તે અંગેના સમાચાર પરિપત્ર વીજકચેરીઓમાં આવ્યા ન હોવાથી અને વીજબીલ પણ અપાઈ ગયા હોવાથી લોકોમાં અસંતોષ ફેલાયો હતો.
અંતે આ રાહતનો પરિપત્ર આવી ગયો છે અને તે મુજબ 70 દિવસના વીજવપરાશની ગણત્રી કરી માસિક સરેરાશ વીજવપરાશ ગણાશે અને તે મુજબ જે લોકોને બીલ અપાઈ ગયા છે તેમને આવતા બીલમાં રાહત મળી શકે.
માસિક 200 યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેણાંક વીજ ગ્રાહકોનું 100 યુનિટનું વીજળી બીલ એક વખત માટે માફ કરવાની જાહેરાત કરાઈ હતી. 600 કરોડના વીજ બીલ માફીનો લાભ રાજ્યના આશરે 92 લાખ વીજ ગ્રાહકોને મળશે. રહેણાંક વીજ ગ્રાહકોના લોકડાઉન પહેલાનું છેલ્લું મીટર રીડીંગ અને ત્યારબાદના પ્રથમ મીટર રીડીંગના તફાવતને પ્રતિ દિન વીજ વપરાશમાં ગણતરી કરીને તેને 30 દિવસથી ગુણી જેનો વીજ વપરાશ માસિક 200 યુનિટ અથવા તો તેનાથી ઓછો હોય તો તે વીજ ગ્રાહક એક વખતની રાહત માટે પાત્રતા ધરાવશે અને તેવા વીજ ગ્રાહકોને મહત્તમ 100 યુનિટ તથા એક માસના ફીકસ્ડ ચાર્જની માફી મળવાપાત્ર થશે. આ માફી-રાહતનો લાભ રાજ્યની તમામ વીજ વિતરણ કંપનીઓના પાત્રતા ધરાવતા નાના અને મધ્યમ વર્ગના રહેણાંકના વીજ ગ્રાહકોને હવે પછીના બીલમાં આપવાનો થશે.