પાકિસ્તાને બાલાકોટ સેક્ટરમાં ચલાવ્યા મોર્ટાર, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

પાકિસ્તાની સૈન્યએ ફરી એક વાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને પૂંછ અને કઠુઆ જિલ્લામાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદની બાજુ મોર્ટારના શેલ ચલાવ્યાં હતાં. અધિકારીઓએ કહ્યું કે, આ સમયગાળા દરમિયાન ભારતીય સરહદમાં કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી.

સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાને નાના શસ્ત્રોથી ગોળીબાર કર્યો હતો અને સવારે 6.15 વાગ્યે પૂંછ જિલ્લાના બાલાકોટની નિયંત્રણ રેખા નજીક મોર્ટાર શેલ ચલાવ્યાં હતાં અને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. ભારતીય સેના પણ આ અંગે યોગ્ય જવાબ આપી રહી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બંને પક્ષો વચ્ચે થયેલા ફાયરિંગથી સરહદી વિસ્તારોમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. તેમણે કહ્યું હતું કે, કઠુઆ જિલ્લામાં હિરાનગર સેક્ટર પર આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના કરોલ માતરાય વિસ્તારમાં પાકિસ્તાની રેન્જર્સે ફોરવર્ડ પોસ્ટ્સ અને ગામો પર ગોળીબાર કર્યો હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાને 20 જૂન, શનિવારે મોડી રાત્રે ગોળીબાર કર્યો હતો અને મોર્ટારના શેલ ચલાવ્યાં હતાં. આ ફાયરિંગ અને તોપમારો સાડા ચાર કલાકથી વધુ સમય સુધી ચાલુ રહ્યો. આ વર્ષે જમ્મુ-કાશ્મીરની સરહદો પર પાકિસ્તાન દ્વારા ગોળીબારની ઘટનાઓમાં અને 10 જૂન સુધી 2,027 વખત યુદ્ધવિરામ ભંગની ઘટનાઓમાં વધારો થયો છે. આ મહિનામાં રાજૌરી અને પૂંછમાં પાકિસ્તાની ગોળીબારમાં સેનાના ત્રણ જવાન શહીદ થયા છે.