દિલ્હીથી અમિત શાહે શરૂ કર્યું મિશન બિહાર, પ્રથમ વર્ચુઅલ રેલીમાં ફૂંક્યું ચૂંટણીનું બ્યુગલ

કોરોના લોકડાઉન વચ્ચે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) બિહારમાં વર્ચ્યુઅલ રેલી યોજી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ અમિત શાહે તેમની પાર્ટી માટે 7 જૂન, રવિવારે ‘બિહાર જનસંવાદ’ની પહેલી વર્ચુઅલ રેલીને સંબોધન કર્યું હતું. અમિત શાહે કહ્યું કે, બિહારમાં નીતીશ કુમારના નેતૃત્વમાં બે તૃતીયાંશ બહુમતીથી સરકારની રચના કરવામાં આવશે. હવે ફાનસમાંથી એલઈડી લેવાનો સમય આવી ગયો છે, પરંતુ આ કોઈ ચૂંટણી સભા નથી, અમારો હેતુ દેશના લોકોને જોડવાનો છે અને કોરોના સામે એકતાપૂર્વક લડવાનો છે.

શાહે કહ્યું કે, જનતા કર્ફ્યુ ભારતના લોકશાહી ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે કે દેશના કોઈ નેતાની અપીલ પર કોઈ પોલીસ દળનો ઉપયોગ કર્યા વિના, આખા દેશની જનતાએ ઘરની અંદર રહીને તેના નેતાની અપીલનો આદર કર્યો. ભલે તેણે થાળી કે ઘંટડી વગાડવાનું કહ્યું, તેમણે દીવો પ્રગટાવવાનું કહ્યું, આર્મીના સૈનિકોએ આકાશમાંથી કોરોના વોરિયર્સ પર ફૂલો વરસાવ્યા, તે વડાપ્રધાનની અપીલ હતી. કેટલાક લોકોએ તેને રાજકીય પ્રચાર ગણાવ્યો હતો, પરંતુ તેઓ જે બોલી રહ્યા છે તે જાણતા નથી કે તે રાજકીય પ્રચાર નથી પરંતુ દેશને એક બનાવવાની ઝુંબેશ છે.

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શાહે કહ્યું કે, મોદી સરકારે છ વર્ષમાં કરોડો ગરીબ લોકોના જીવનમાં પ્રકાશ લાવવાનો પ્રયાસ કર્યો છે, જેનો સૌથી મોટો ફાયદો પૂર્વ ભારતના લોકોને થયો છે. હાઉસિંગ, વીજળી, બેંક ખાતા, આરોગ્ય સેવાઓ, ગેસ સિલિન્ડર, શૌચાલયો, આ બધા જ મોદી સરકારે 2014-2019 ના ગાળામાં આપ્યા હતા. 2019 માં, મોદી સરકારે જળ ઉર્જા મંત્રાલયની રચના કરી અને દેશના 25 કરોડ લોકોના ઘરો સુધી નળમાંથી શુદ્ધ પાણી પહોંચાડવાની યોજના શરૂ કરી.