કોરોના સામેના જંગમાં મહેસાણા કોવિડ હોસ્પીટલના ર્ડા. સ્નેહાબા રાજપૂત કોરોના વોરીયર બની ફરજ બજાવે છે

સમગ્ર વિશ્વ અત્યારે કોરોના વાયરસ સામે ઝઝુમી રહ્યું છે અત્યંત ચેપી ગણાતા આ રોગમાં ખુબ જ સાવધાની રાખવી પડે છે તેમ છતાં ર્ડાકટરો દેવદૂત બનીને જાનના જોખમે દર્દીઓની સેવા કરી રહ્યા છે. મહેસાણાની કોવિડ-૧૯ હોસ્પિટલમાં જોખમી કહી શકાય તેવા શંકાસ્પદ દર્દીઓની બિલકુલ નજીકમાં રહીને સ્લેબ લેનાર મહેસાણાનાં સૌથી યંગ લેડી ઇ.એન.ટી. સર્જન ર્ડા. સ્નેહાબા રાજપૂતે આજ સુધીમાં ૧૦૨ જેટલાં સ્લેબ લીધા છે અને કોરોના સામેના યુદ્ધમાં નિષ્ઠાવાન સૈનિકની ભૂમિકામાં અડીખમ ઉભા રહી હાલ સાંઇક્રિષ્ણા કોવિડ-19 હોસ્પીટલમાં બહુ જોખમી એવી સ્લેબ લેવાની કામગીરી બખુબી નિભાવી રહ્યા છે.

મહેસાણા સીવીલ હોસ્પીટલમાં એક વર્ષ અગાઉ ઇ.એન.ટી. સર્જન તરીકે જોડાયેલ ર્ડા. સ્નેહાબા કહે છે, પીપીઇ કીટ પહેરી હોય તો પણ હૃદયમાં ભગવાનને યાદ કરી કોરોના સામેનો જંગ લડી રહ્યા છીએ ત્યારે લોકડાઉન દરમ્યાન કામ વગર બહાર ફરતા લોકોએ પણ ઘરમાં રહી પરિવાર, સમાજ અને શહેરની ચિંતા કરવી જરૂરી છે.

કોવિડ-19 હોસ્પિટલમાં બહુ જોખમી એવા સ્લેબ લેવાની જવાબદારી નિભાવતાં મૂળ હેબુવાનાં વતની અને હાલ મહેસાણામાં રહેતાં ર્ડા. સ્નેહાબા દશરથસિંહ રાજપૂત તેમના પરિવારમાં એકનું એક સંતાન છે. તેમના મમ્મી-પપ્પા સરકારી સેવામાં ફરજ બજાવે છે. ર્ડા. સ્નેહાબા રાજપૂતે જણાવ્યું કે, કોરોના વૈશ્વિક મહામારીમાં સૈનિક બનીને લોકોની સેવા કરવી એ મારી પવિત્ર ફરજ છે.

ડો.સ્નેહલબા રાજપૂતે જણાવ્યું હતુ કે સ્વાઇન ફ્લૂ પણ આપણ માટે પડકારરૂપ હતો પરંતુ કોરોના જેટલો ગંભીર નહતો. કોરોના નવો ડિસીઝની સાથે તેની રસી ન શોધાતાં એ પણ લોકોમાં ડર છે અને આ ડરને ઘરમાં રહીને જ દૂર કરી શકાય. કોરોનાનાં લક્ષણો વ્યક્તિમાં જણાતાં ન હોવાની બાબત ખૂબ જ ગંભીર છે અને પીપીઇ કીટ પહેરી હોય તો પણ ક્યારેક સ્લેબ લેતાં મનમાં સવાલ ઉઠે છે કે આનો રિપોર્ટ પોઝીટીવ તો નહીં આવે ને.

આરોગ્ય કર્મીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે ત્યારે ર્ડા. સ્નેહાબાએ કહ્યું કે, મેડીકલ સ્ટાફે કોરોનાને લાઈટલી ના લેવો જોઇએ. પ્રોપર પ્રિકોશન લેવું જરૂરી છે. હું ઘરે જતાં પહેલાં ઘર ખોલાવી રાખું છું અને છેલ્લા દોઢ મહિનાથી મકાનના એક રૂમમાં પરિવારથી દૂર ક્વોરન્ટાઇન રહું છું. કેમ કે, મને ચિંતા છે મારા પરિવારની, મને ચિંતા છે મારા સમાજ અને મારા મહેસાણા શહેરની. ર્ડા. સ્નેહાબા રાજપૂત બહાર ફરતા લોકોને એટલું જ કહેવા માગે છે કે ઘરમાં રહેશો તો જ કોરોના સંક્રમણની ચેઇન તોડી શકાશે.

તેમણે ઉમેર્યુ કે, અત્યારે ફીઝીકલી ઇમ્યુનીટી સ્ટ્રોંગ થવું જરૂરી છે. એની સાથે ધ્યાન, યોગ, પ્રાણાયમ, સૂર્યનમસ્કાર કરવાથી ફાયદો થશે. વાસી ખોરાક ખાવાનું ટાળો, વિટામીનવાળા ફળ, ઉકાળેલું પાણી પીવો, સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે રીતે એકબીજા સાથે ઇમોશનલી જોડાયેલા રહેવું એ આજના સમયની તાતી જરૂરીયાત છે.