સુરતમાં જરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ઓડિશાના કારીગરોને તેમના માલિક દ્વારા વતનમાં પરત મોકલાયા

વિશ્વભરમાં કોરોનાના હાહાકાર વચ્ચે કેન્દ્ર સરકારે દેશવાસીઓને મહામારીથી બચાવવા માટે દેશભરમાં લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું છે. આ સ્થિતિમાં અન્ય રાજ્યોમાંથી સુરત શહેરમાં રોજગારી અર્થે આવેલા શ્રમિકોને તેમના વતનમાં પરત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

સુરત ખાતે પૂર્વ વિધાનસભામાં જરી ઉદ્યોગના વ્યવસાય સાથે જોડાયેલા કારખાનામાં કામ કરતા ઓડીશા રાજ્યના ગંજમ જિલ્લાના કામદારોને તેમના માલિક દ્વારા વતનમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વ્યવસ્થા ગોઠવવામાં ધારાસભ્ય અરવિંદ રાણા તથા પૂર્વ કોર્પોરેટર સી. ટી. જરીવાલાનો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ વેળાએ સુરતના સાંસદ દર્શના જરદોશે ઉપસ્થિત રહી કારીગરોને તેમના વતનમાં મોકલવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

કોરોનાને કારણે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે આ વિકટ પરિસ્થિતિમાં ગરીબવર્ગની વ્હારે આવી રાજય સરકાર દ્વારા ગરીબ જરૂરિયાતમંદ લોકોને જીવનજરૂરી વસ્તુઓ મળી રહે તે માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઉધનાના જાગૃત્ત જનપ્રતિનિધિ ધારાસભ્ય વિવકે પટેલ દ્વારા ઉધના વિધાનસભાના સંદીપનગર, શિવમનગર, ક્રિષ્નાનગર, ભરવાડ વસાહત, પાંડેસરા જેવા વિસ્તારોમાં ગરીબ જરૂરિયાતમંદ લોકોને ચોખા અને દાળની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે ધારાસભ્યે લોકોને કોરોના વાયરસની ગંભીરતા અંગે સમજ આપી ઘરમાં રહી કોરોના વાયરસથી સુરક્ષિત રહો તેવા સંદેશા સાથે લોકોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખવાની સૂચના આપી હતી.