દેશભરમાં ચાલી રહેલા લોકડાઉનનો લોકો ભંગ કરી રહ્યા છે આવા સમયે સતત સમજાવટ છતાં પણ તંત્રની વાત લોકો ન માનતા મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના રાજનગરના વહિવટી તંત્રએ કંટાળીને ક્વોરેન્ટીન કરવામાં આવેલા લોકોને ઘરમાં પૂરી રાખવા માટે બે દિવસ સુધી ઘરની બહાર તાળા મારી દીધા છે. જોકે, બે દિવસ બાદ લોકોએ ખાતરી આપી હતી કે તેઓ ક્વોરેન્ટીનના નિયમોનું પાલન કરશે અને ત્યારે શુક્રવારે વહિવટી તંત્ર દ્વારા તાળા ખોલી દેવામાં આવ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે 50 જેટલા લોકોને બે દિવસ સુધી બંધ કરી દેવામાં આવ્યા હતા. તેમનો 14 દિવસનો ક્વોરેન્ટીન સમય પૂરો થઈ ગયા બાદ તેમના તાળા ખોલવામાં આવશે. આ વિસ્તારમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી અને સ્થાનિક વહિવટી તંત્ર ઈચ્છે છે કે અહીં એક પણ કેસ ન નોંધાય.
આ કપરો નિર્ણય લેનારા રાજનગર સુપરડિવિઝનલ મેજિસ્ટ્રેટ સ્વપ્નિલ વાનખેડેએ જણાવ્યું હતું કે ‘આ સાવચેતીના ભાગરૂપે લેવાયેલા પગલા છે. અમારી ટીમ નિયમિત રીતે તેમના ઘરે જાય છે અને તેમને કંઈ જરૂર છે કે નહીં તે અંગે પૂછપરછ કરે છે.’ હવે ઘરમાં જે લોકો બંધ છે જે મોટા ભાગ ડ્રાઈવર્સ છે અને તેઓ પ્રવાસીઓને દિલ્હીથી ભોપાલ લાવે છે જેમાં વિદેશી પ્રવાસીઓ પણ સામેલ હોય છે, આ ડ્રાઈવર્સ કોઈ પણ જાતના કામ વગર બહાર ફરતા હતા.