વિશ્વ વ્યાપી કોરાનાની અસર ગુજરાત પર ઘેરી પડી છે. સરકારનું સમગ્ર તંત્ર કોરાનાના સામનામાં લાગી ગયું છે. જનજીવન ઠપ્પ થઇ ગયું છે. રાજયમાં 22 માર્ચથી વેપાર-ઉદ્યોગ બંધ છે. કોરોનાની પરિસ્થિતિએે સરકારની તિજોરી પર સીધી અસર કરી છે. કેન્દ્રના નિર્દષ મુજબ આગામી દિવસોમાં રાજય સરકારના વહીવટી તેમજ ખાસ જરૂરીયાત ન હોય તેવા ખર્ચ પર કાપ તોળાઇ રહયો છે.
કર્મચારીઓ-અધિકારીઓના પગારમાં કાપ મુકાવાની બાબતને હજુ સતાવાર વર્તુળો સમર્થન આપતા નથી પરતુ આધારભુત વર્તુળો આવી વિચારણા શરૂ થયાનો નિર્દેષ કરે છે. રાજય સરકારે કર્મચારી ભવિષ્ય નીધીની જમા સિલક પર વ્યાજ દર 7.9 ટકાથી ઘટાડી 7.1 ટકા કરવાનું જાહેર કરી દીધું છે. પેન્શનરોમાં પેન્શનમાં સરકાર કોઇ કાપ મુકવા માંગતી નથી. આધારભૂત વર્તુળોના કહેવા મુજબ રાજયના પ લાખ નોકરીયાતો અને સાડા ત્રણ લાખ જેટલા પેન્શનર્સને દર મહિને પગાર-પેન્શનનું ચુકવણું કરવા 3500 કરોડથી વધુ રકમની જરૂર રહે છે.
છેલ્લા પખવાડિયાથી વધુ સમયથી પેટ્રોલ-ડીઝલ સહિતના ટેક્ષની આવક ધરખમ ઘટી ગઇ છે. બંધ થઇ ગઇ છે. વેપાર-ઉદ્યોગ બંધ હોવાથી તેમાંથી મળતો વેરો પણ લગભગ બંધ થઇ ગયો છે. આવકમાં અભૂતપૂર્વ ઘટાડો અને પગાર સહિતના ખર્ચ યથાવત છે. કોરોનાના કારણે જુદી જુદી રાહત-સહાયો અને તબીબી સારવારમાં મોટો ખર્ચ થઇ રહ્યો છે. સરકારે રાબેતા મુજબના ખર્ચમાં મોટો કાપ મુકવો અનિવાર્ય બન્યો છે.
આર્થિક ભીડની અસર વિકાસ કામો પર પણ દેખાશે. લોકડાઉન પૂર્ણ થયા પછી પણ આર્થિક કળ વળતા લાંબો સમય લાગશે. કર્મચારીઓના પગાર કે ભથ્થામાં કાપ મુકવાથી શું અસર આવી શકે ? તે અંગે વિચારણા શરૂ થયાના નિર્દેષ છે.બધા કર્મચારીઓના પગારમાં કાપ મૂકવાનું સરકારને યોગ્ય ન લાગે તો મોટા પગારદારોના પગારમાં કાપ આવી શકે છે. અમૂક સમય માટેના પગાર ઘટાડાને સરકાર કુદરતી આફતમાં સરકારી નોકરીયાતોના યોગદાન તરીકે સ્વીકારવા માંગે છે. સરકાર ખર્ચમાં કાપમાં કોને કઇ રીતે આવરી લ્યે છે ? તે હજુ સ્પષ્ટ નથી પરંતુ આવતા દિવસોમાં રાજયમાં આર્થિક મોરચે કઠોર પગલા આવી રહ્યાના સ્પષ્ટ ભણકારા વાગી રહ્યા છે.