આમોદમાં પિતા કોરોના લોકડાઉનની ફરજ પર હતા અને ઘરે દિકરીનો જન્મ થયો

ભરુચ જિલ્લાના આમોદ પોલીસ મથકની હદમાં દેશની સુરક્ષા કાજે તત્પર અને રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવતા પોલીસ કર્મચારીના ઘરે લક્ષ્મી સમાન દીકરીનો જન્મ થતાં ખુશીનો માહોલ છવાયો છે.

હાલ કોરોના વાયરસનો કહેર ચોતરફ સર્જાયો છે. જેને લઈને 21 દિવસનું લોકડાઉન દેશમાં જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સૌથી કપરી પરિસ્થિતી સુરક્ષકર્મીઓની છે. ઘરબાર છોડી સતત સુરક્ષામાં તૈનાત છે. તેવામાં પત્ની અને પરિવાર માટે સમય ફાળવવો પણ સુરક્ષા જવાનો માટે મુશ્કેલ હોય છે.

પરિવાર અને ગામથી દૂર ઘરની ખુશીઓમાં પણ સામેલ થઈ શકતા નથી. ત્યારે આવી લોકડાઉનની પરિસ્થિતીમાં આમોદ તાલુકા પોલીસમાં છેલ્લા બે વર્ષથી ફરજ નિભાવતા કર્મચારી અને મૂળ છોટા ઉદેપુર જિલ્લાના વતની પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ વિઠ્ઠલ રાઠવાના ઘરે દીકરીએ જન્મ લેતા ખુશીનો માહોલ છવાયો છે. પોલીસ જવાને ખુશી અનુભવી આમોદમાં ફરજ બજાવતા અન્ય સહકર્મીઓનું મોઢું મીઠું કરાવ્યુ હતુ.

પોતાના વતન છોટા ઉદેપુરમાં દીકરીનો જન્મ થતાં તેનું નામ રૂહી રાખવામા આવ્યું હતું. ઘરે લક્ષ્મીનું આગમન થતાં હર્ષભેર પ્રકાશભાઇએ આમોદમાં જલેબી વહેંચી સાથીદારોનું મોઢું મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી. સાથી કર્મીઓએ પણ તેઓને અભિનંદન પાઠવ્યા હતા.