ગુજરાત રાજ્યમાં કોવિડ-19 કેસનો આંકડો વધતો જઇ રહયો છે. છેલ્લા 24 કલાકમાં 90 નવા કેસ નોંધાવાની સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 468 પર પહોંચ્યો છે. રાજ્યમાં જેટલા પોઝિટિવ કેસ છે જેમાંથી અડધા અર્થાત 243 કેસ માત્ર અમદાવાદના છે. અમદાવાદ ઉપરાંત, વડોદરામાં પણ પોઝિટિવ કેસનો આંકડો 95 પર પહોચી ગયો છે. રાજ્યમાં આગામી દિવસોમાં કપરી સ્થિતિના એંધાણ વર્તાઇ રહ્યા છે.
સરકાર દ્વારા છેલ્લા 24 કલાકમાં 2045 ટેસ્ટ કરાયા છે, જેમાં છેલ્લા 12 કલાકમાં જ 1432 ટેસ્ટ કરાયા છે. કુલ 2045 ટેસ્ટમાંથી 407 સિવાયના તમામ લોકોના રિઝલ્ટ આવી ચૂક્યા છે. રાજ્યમાં છેલ્લા બાર કલાકમાં જે નવા કેસ નોંધાયા છે તેમાં અમદાવાદમાં 15, વડોદરા 18, ભરુચ, ગાંધીનગર અને છોટાઉદેપુરમાં એક-એક કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં ત્રણ દર્દીના મોત પણ થયા છે, અને ત્રણેય મૃતકો અમદાવાદના છે.
આરોગ્ય ખાતાના અગ્રસચિવ જયંતિ રવિના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં જે વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરાયા છે તે સિવાયના વિસ્તારોમાં પણ હવે સેમ્પલ લેવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યના જે 14 જિલ્લામા કોરોનાનો કોઈ કેસ નથી નોંધાયો તેવા જિલ્લામાં પણ સેમ્પલ લેવાનું શરુ કરાયું છે. આજે જુનાગઢ, નવસારી, તાપી, અમરેલી અને બનાસકાંઠામાં સેમ્પલ લેવાયા હોવાનું તેમણે જણાવ્યું હતું.