દેશમાં કોરોના સંક્રમણથી મૃત્યુ પામનારની સંખ્યા વધીને 242 થઈ છે. જ્યારે કુલ કેસ 7529 પર પહોંચ્યા હોવાનું આરોગ્ય મંત્રાવયે જણાવ્યું છે. પાછલા 24 ક્લાકમાં કોરોના 768 નવા કેસ નોંધાયા છે અને 36 લોકોના જાન ગયા છે.
શનિવારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં 75, તથા 66 અને 52 વર્ષની વય ધરાવતા ત્રણ લોકોના મોત થયા હતાં. આ સાથે ઈન્દૌરમાં અત્યાર સુધીમાં 30 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ ત્રણેય કોરોના પોઝિટિવ શહેરની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યા હતાં. આ પૈકી બે ડાયાબિટીસ સહિત અન્ય બીમારી ધરાવતા હતાં. બીજી બાજુ કેરળમાં પણ વધુ એક મૃત્યુ થયું છે. અહીંના કુન્નુરમાં 71 વર્ષની વ્યક્તિનું મોત થયું છે. તેમને પણ હૃદય અને હાઈપરટેન્શનને લગતી બીમારી હતી.
દિલ્હીમાં સારવાર માટે ચલાવવામાં આવતા ઓપરેશન શીલ્ડથી રાજધાનીના દિલશાદ ગાર્ડનને સંક્રમણ મુક્ત કરવામાં સફળતા મળી છે. મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. અહીં 27 દિવસમાં કોરોનાના કેસ 100 ગણી ઝડપથી વધ્યા છે. રાજ્યમાં 14 માર્ચના કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 14 હતી જે 10 એપ્રિલના વધીને 1574 થઈ ગઈ હતી.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ 1500થી વધી ગયા છે, ત્યારે રાજ્યના નવ જિલ્લા કોરોના વાયરસથી મુક્ત થયા છે. ધુલે, નંદુબાર, સોલાપુર, પરભાની, નાંદેદ, વર્ધા, ભાંડારા, ચંદ્રપુર અને ગડચિરોલીનો સમાવેશ થાય છે, જો કે રાજ્યના 8 જિલ્લામાં કોરોનાના એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
રાજસ્થાનમાં કુલ કોરોનાના 561, ઉત્તરપ્રદેશમાં 433, બિહારમાં 60, દિલ્હીમાં 903, હરિયાણામાં 178, પંજાબમાં 151, ગુજરાતનમાં 378 અને જમ્મુ-કાશ્મીરમાં 207 કેસ નોંધાયા છે.