વિશ્વની મહાસત્તા અમેરિકા સહિત 30 દેશો ભારત પાસે માગી રહ્યા છે એક જ દવા, જાણો કેમ

કોરોના વાયરસ સામે દુનિયાની મહાસત્તા એવા અમેરિકા અને બ્રિટન જેવા દેશ પણ ઘુંટણીયે પડી ગયા છે. ત્યારે લગભગ તમામ દેશ ભારતની એક ગેમ ચેન્જર દવા તરફ મીટ માંડીને બેઠા છે. આ દવા એટલે હાઈડ્રોક્સીક્લોરોક્વીન જેના માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મદદ માગવાના નામે ભારતને ગર્ભીત ચેતવણી પણ આપી દીધી હતી. ભારતે દવાના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેને લઈને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે અમે ભારતને આ દવાના નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવા અને અમેરિકાને મદદ કરવા માટે માગણી કરીએ છીએ અને જો ભારત આ પ્રતિબંધ નહીં હટાવે તો પરિણામ ભોગવવા તૈયાર રહે. જો કે ભારતે હાલ આ પ્રતિબંધ હઠાવી દીધો છે, ત્યારે જાણીએ કે આ દવા શું છે.

હાલ દુનિયામાં કોરોના વાયરસ સામે લડવા માટેની જેટલી પણ દવા અને ઉપાય ઉપલબ્ધ છે તેમાં મલેરિયાની આ દવાને ગેમ ચેન્જર તરીકે ગણાવાઈ છે. જોકે ભારતે ટ્રમ્પના નિવેદન બાદ હાઈડ્રોક્સીક્લોરોક્વીનના નિકાસ પરથી પ્રતિબંધ હટાવી લીધો છે. અમેરિકા જ નહીં આખી દુનિયા આ દવા માટે ભારત તરફ મિટ માંડી રહી છે. કેમ કે દુનિયામાં આ દવાના કુલ ઉત્પાદનમાંથી 70 ટકા દવા ભારતમાં બને છે. એક દાવા મુજબ એપ્રિલ 2019થી જાન્યુઆરી 2020 સુધીમાં ભારતે 1.22 બિલિયન અમેરિકન ડોલરના મૂલ્યની હાઈડ્રોક્સીક્લોરોક્વીન API એક્સપોર્ટ કરી છે.

તો ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સના મહાસચિવ સુદર્શન જૈને કહ્યું કે આખી દુનિયામાં ભારત હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાના 70 ટકા સપ્લાઈ કરે છે. તેમજ દાવો કરવામાં આવે છે કે ભારતમાં આ દવાના પ્રોડક્શનની કેપેસિટી ખૂબ જ પ્રભાવી છે. ભારત 30 દિવસમાં 40 ટન હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ રીતે 20 મિલી ગ્રામની 20 કરોડ ટેબ્લેટ્સ બનાવી શકાય છે. ભારત પાસે આ દવા હાલમાં અમેરિકા, બ્રાઝિલ, જર્મની, સ્પેન જેવા કુલ 30 દેશો આ દવા માગી રહ્યા છે.

તમણે જણાવી દઈએ કે હાઈડ્રોક્સીક્લોરોક્વીન અમેરિકા જેવા વિકસિત દેશોમાં નથી બનતી તેનું કારણ છે ત્યાં મલેરિયાનું નામોનિશાન નથી. જ્યારે આ દવા દુનિયાની સૌથી જૂની એન્ટિવાયરલ દવા પૈકી એક છે અને  આ દવા ખૂબ જ સસ્તામાં મળી રહે છે. હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાનું કમ્પોઝિશન ક્લોરોક્વીન દવા જેવું જ છે. પરંતુ કોરોના બીમારીને લઈને આ દવા અને તેના રિએક્શન અંગે હજુ કોઈ પૂરતી જાણકારી વૈજ્ઞાનિકોને ન હોવાથી અનેક દેશોએ આ દવા પર પ્રતિબંધ મુકી દીધો છે. હા જ્યાં કોરોનાનું સંક્રમણ વધુ છે ત્યાં ક્લોરોક્વીનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.